
ફ્રેન્ચ ઓટોમોટિવ પાર્ટ્સ સપ્લાયર કંપની Valeo ભારતમાં મોટો દાવ લગાવવા માટે તૈયાર છે. બુધવારે કંપનીએ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં 200 મિલિયન યુરો (2,147 કરોડ રૂપિયા)ના નોંધપાત્ર રોકાણની જાહેરાત કરી હતી. Valeo 2028 સુધીમાં તેના વેચાણને ત્રણ ગણાથી વધુ વધારીને 700 મિલિયન યુરો કરવાનું લક્ષ્ય રાખે છે અને આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ રોકાણ જરૂરી છે.
ભારતમાં વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના
ભારત હાલમાંValeoના વૈશ્વિક વેચાણમાં 1 ટકા હિસ્સો ધરાવે છે. તેના ભારતીય વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ફ્રેન્ચ ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક ઇલેક્ટ્રિક અને ફીચર લેસ વાહનોની વધતી માંગનો લાભ લેવા માંગે છે. પ્રેસ બ્રીફિંગમાં પત્રકારો સાથે વાત કરતા Valeoના સીઈઓ ક્રિસ્ટોફ પેરિલાટે(Christophe Périllat) કહ્યું હતું કે, “અમે ભારતમાં વેચાતી કારમાં ઘણી વધારાની સામગ્રી અને ટેકનોલોજી જોઈએ છીએ.” આ જ કારણ છે કે અમે ભારતમાં વિકાસ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઓટોમોટિવ બજારોમાંનું એક છે. તે ફક્ત વોલ્યુમ વિશે નથી, પરંતુ અહીં વેચાતી કારની પેટર્ન પણ ઝડપથી બદલાઈ રહી છે. 60 ટકાથી વધુ નવા ઓર્ડર SUV માટે છે.”
ભારત Valeo માટે એક મુખ્ય વૃદ્ધિ ક્ષેત્ર છે. કંપનીના CEO વધુમાં જણાવે છે કે, “અમે 2028 સુધીમાં ભારતમાં અમારા વેચાણને 220 મિલિયન યુરોથી લગભગ ત્રણ ગણું કરવાની અને 2028 પછીના ઝડપી વૃદ્ધિના આગામી તબક્કા માટે તૈયારી કરવાની યોજના બનાવી રહ્યા છીએ.” તેમણે ઉમેર્યું કે કંપની 2028 પછી 1 અબજ યુરોના વેચાણનું લક્ષ્ય રાખી રહી છે.
Valeo હાલમાં મહિન્દ્રા અને મહિન્દ્રા (M&M) ના BE 6 અને XEV 9e ઇલેક્ટ્રિક વાહનોને ઇલેક્ટ્રિક પાવરટ્રેન સપ્લાય કરે છે. કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા ઓટો પાર્ટ્સમાં ઇ-એક્સલ્સ, બેટરી કૂલિંગ પ્લેટ્સ, ચાર્જર્સ, ઇન્વર્ટર, સેન્સર, લાઇટિંગ સાધનો અને ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ) શામેલ છે.
Valeo ભારતમાં રોકાણ કરવાનું વિચારી રહી છે ખાસ કરીને તેના ઇલેક્ટ્રિફિકેશન અને ADAS ડિવીઝન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રસપ્રદ વાત એ છે કે, આ રોકાણ એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં વેચાતી બધી નવી કારમાંથી લગભગ 4 ટકા ઇલેક્ટ્રિક વાહનો છે. પેરિલાટનું માનવું છે કે ભારતીય બજારમાં કારની ટેકનોલોજી કનટેન્ટ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમે ઇલેક્ટ્રિક મોટર અને પાવર ઇલેક્ટ્રોનિક્સનું સ્થાનિકીકરણ કરી રહ્યા છીએ. અમે બેટરી કૂલિંગનું સ્થાનિકીકરણ કરી રહ્યા છીએ. ADAS માટે અમે સેન્સર, કેમેરા અને રડારનું સ્થાનિકીકરણ કરી રહ્યા છીએ.” તેમણે કહ્યું હતું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારતમાં EV અને હાઇબ્રિડનો હિસ્સો 2032 સુધીમાં 25 ટકા સુધી પહોંચશે.”
Valeo એ 1997માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો. કંપનીના ચેન્નઈ, પુણે, સાણંદ અને ગુરુગ્રામમાં છ ઉત્પાદન એકમો છે. વધુમાં તેના ચેન્નઈ અને બેંગલુરુમાં વૈશ્વિક R&D કેન્દ્રો છે. Valeo ભારતમાં 7,500થી વધુ લોકોને રોજગારી આપે છે, જેમાં તેના 50 ટકાથી વધુ ઇજનેરો વૈશ્વિક સંશોધન, વિકાસ અને ઉત્પાદન પ્રવૃત્તિઓમાં સામેલ છે. મહિન્દ્રા અને મહિન્દ્રાની EV માટે વધતી માંગને ટેકો આપવા માટે Valeo એ તેની પુણે સુવિધામાં એક નવો પ્લાન્ટ અને સમર્પિત ઇ-એક્સલ ઉત્પાદન લાઇન પણ શરૂ કરી છે.
