માર્ચની શરૂઆતમાં રાજ્યમાં ભારે ગરમીનો પ્રકોપ શરૂ થયો હતો, પરંતુ હવે વાતાવરણમાં બદલાવ આવતા ગરમીમાં થોડોક રાહત અનુભવાઈ રહ્યો છે. બીજી તરફ 18થી 20 માર્ચ દરમિયાન માવઠાની આગાહી થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ઘટીને 40 ડિગ્રીથી નીચે આવી ગયું છે, તેથી હાલ કોઈ શહેરમાં હીટવેવની શક્યતા નથી.
પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીમાં ઘટાડો
રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. તેના અસરથી છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં અંદાજે બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં વધુ બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં તાપમાન આશરે 37 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે જ આગામી સાત દિવસ સુધી હીટવેવની કોઈ શક્યતા નથી.
18 થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા
માર્ચ મહિનામાં જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં 18, 19 અને 20 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. 19 માર્ચે રાજકોટ, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે 20 માર્ચે ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
https://www.instagram.com/timenewsguj/?hl=en
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: LPG અને PNG ના સ્ટોક બાબતે ગુજરાત સરકારનો મોટો ખુલાસો, કેરોસીન વિતરણ અંગે પણ કરી સ્પષ્ટતા
