ગુજરાતભરમાં ફૂડ વિભાગના દરોડા, 347 હોટલ-રેસ્ટોરન્ટ ચકાસાયા, નકલી પનીર મામલે કડક કાર્યવાહી

Oplus_131072

ગુજરાતમાં ખાદ્ય સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર વધુ કડક બની રહી છે. ખાસ કરીને નકલી પનીર અંગે હવે સખત તપાસ શરૂ થઈ છે.

ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા અને લારીઓમાં એક વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગત રોજ 4 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન કુલ 347 ખાદ્ય એકમોમાં ચકાસણી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રાહકોને પીરસાતી વાનગીઓમાં વપરાતા પનીરનું ગુણવત્તા ચકાસવું અને ‘એનાલોગ પનીર’ (નકલી પનીર) અંગે સ્પષ્ટતા કરાવવાનો હતો. તંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે તો ગ્રાહકોને જાણ કરવા માટે સ્પષ્ટ ડિસ્પ્લે બોર્ડ લગાવવું ફરજિયાત છે.

તપાસ દરમિયાન અનેક સ્થળોએ નિયમોના ઉલ્લંઘન સામે આવ્યા હતા. ખાસ કરીને પનીર અંગે જરૂરી માહિતી દર્શાવતું ડિસ્પ્લે બોર્ડ ન મૂકનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાંથી મળીને 1.40 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે તેવો અંદાજે 615 કિલોગ્રામ જેટલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ અનેક જાણીતા ફૂડ જોઇન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 52300 રૂપિયા અને રાજકોટમાં 3500 રૂપિયાનો દંડ વસૂલાયો હતો.

આ ઝુંબેશ દરમિયાન મણીનગર વિસ્તારમાં આવેલી હાઉસ ઓફ મોમોઝ, મોમોઝ હાઉસ અને પંજાબી તડકા જેવી દુકાનો સહિત નાના-મોટા વેપારીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. તંત્રની આ કડક કાર્યવાહીથી ભેળસેળ કરતા તત્વોમાં ભયનો માહોલ ઉભો થયો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે. આગામી સમયમાં પણ આવી ચકાસણીઓ ચાલુ રાખવામાં આવશે જેથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવી શકાય અને લોકો સુરક્ષિત ખોરાક મેળવી શકે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: પેટ્રોલ અને એલપીજી અંગે ભારત સરકારે જાહેર કર્યું મોટું નિવેદન, ઈરાન યુદ્ધ વચ્ચે જનતાને કરી આ અપીલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *