અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 1500 કિલો ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત

અમદાવાદમાંથી ભેળસેળયુક્ત પનીરનો 1 હજાર 500 કિલો જથ્થો જપ્ત કરાયો હતો. મળતી જાણકારી અનુસાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોર્ડે કુબેરનગરની દ્વારકેશ ડેરી પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી ભેળસેળયુક્ત પનીર બનાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો. ભેળસેળિયું પનીર બનાવવા વપરાતું પામોલિન ઓઇલ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડ સહિતની સામગ્રી ડેરીમાંથી જપ્ત કરવામાં આવી હતી.
એટલું જ નહીં ડેરી પાસે લાયસન્સ હતું પણ પનીરમાં મોટાપાયે ભેળસેળ કરવામાં આવતી હતી. ડેરીના સંચાલક જિજ્ઞેશ બારોટને સાથે રાખી પનીર, પામોલિન તેલ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડના નમૂના લેવામાં આવ્યા હતા. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ પનીર ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે લેબના રિપોર્ટ બાદ કાયદા મુજબ વધુ કાર્યવાહી હાથ ધરાશે.