અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો

 અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ એવા માથાભારે અને કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમા બારડને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, પોલીસને જોઈને શરણે થવાને બદલે ધમા બારડે પીઆઇ પર જ પિસ્તોલ તાણીને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ કાબુ બહાર જતાં આત્મરક્ષણ માટે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ચૌહાણે વળતો જવાબ આપીને આરોપીના પગમાં ગોળી ધરી દીધી હતી. ગોળી વાગતા જ આરોપી નીચે ઢળી પડ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે નરોડા અને કૃષ્ણનગર વિસ્તારના અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો અભેસિંહ બારડ અત્યારે સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ઓક્સિજન પાર્ક પાસે હાજર છે. આ માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક એક્શન લીધા અને તેને ચારેય તરફથી ઘેરી લેવા માટે જાળ બિછાવી હતી.

પોલીસનો કાફલો પોતાની તરફ આવી રહ્યો હોવાનું જોઈને ધમા બારડે શરણાગતિ સ્વીકારવાના બદલે પોલીસ સાથે હિંસક ઝપાઝપી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, તેણે પોલીસ કર્મચારીઓ પર સીધી પિસ્તોલ તાણીને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પરિસ્થિતિમાં પોતાના અને ટીમના બચાવ માટે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ચૌહાણે ત્વરિત કાર્યવાહી કરતા પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી આરોપીના પગમાં ગોળી મારી દીધી હતી. પગમાં ગોળી વાગતા જ આરોપી ધમો જમીન પર પટકાયો હતો, જેને પોલીસે તરત જ દબોચી લીધો હતો.

ગોળીબાર બાદ ઈજાગ્રસ્ત આરોપી ધમા બારડને કસ્ટડીમાં લઈને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મોટા એન્કાઉન્ટર જેવી ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી અને ડીસીપી હર્ષદ પટેલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. નોંધનીય છે કે, આજ પીઆઇ મેહુલ ચૌહાણે ગયા વર્ષે સંગ્રામસિંહ નામના અન્ય એક કુખ્યાત આરોપી પર પણ ફાયરિંગ કર્યું હતું.પકડાયેલો ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો કોઈ સામાન્ય ગુનેગાર નથી. તે એક રીઢો ગુનેગાર છે અને તેની સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 26 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેના કાળા ચિઠ્ઠામાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી (તોડબાજી), ધાડ, લૂંટ, રમખાણો (રાયોટિંગ) ઉપરાંત આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) અને દારૂબંધીના ભંગ જેવા અનેક સંગીન ગુનાઓ સામેલ છે. હાલમાં તે કૃષ્ણનગર અને નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના આરોપ હેઠળ સક્રિય રીતે વોન્ટેડ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *