અમૃતસરમાં કોમેડિયન કપિલ શર્માના ઘર પર ફાયરિંગ, હુમલાખોરો બાઈક લઈને આવ્યાં

પંજાબના અમૃતસર શહેરમાં સોમવારે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માના ઘરની બહાર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના અમૃતસરના પોશ વિસ્તાર હોલી સિટીમાં બની હતી, જ્યાં કપિલ શર્માનું ઘર આવેલું છે. ફાયરિંગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ અનુસાર હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કર્યા બાદ તરત જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાના સમયે ઘરમાં કોણ હાજર હતું તે અંગે પોલીસ માહિતી એકત્રિત કરી રહી છે. જોકે, મળતી માહિતી મુજબ કપિલ શર્મા હાલ પોતાના પરિવાર સાથે મુંબઈમાં છે અને ઘટનાના સમયે અમૃતસરમાં હાજર નહોતા. પોલીસ આસપાસના રહેવાસીઓના નિવેદનો પણ નોંધાવી રહી છે જેથી હુમલાખોરો વિશે વધુ માહિતી મળી શકે.ફાયરિંગ બાદ પોલીસે કપિલ શર્માના ઘર તેમજ આસપાસ આવેલા VIP ઘરોની બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજના આધારે હુમલાખોરો કયા રસ્તેથી આવ્યા અને કઈ દિશામાં ફરાર થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુધી હુમલાખોરોની ઓળખ સામે આવી નથી અને તેમની હુમલાની પાછળનો ચોક્કસ ઇરાદો પણ સ્પષ્ટ થયો નથી.

આ ઘટના પછી પોલીસ હવે જૂના કેસો સાથે પણ કડીઓ જોડીને તપાસ કરી રહી છે. ખાસ કરીને કેનેડાના સરે શહેરમાં આવેલા કપિલ શર્માના ‘Kap’s Cafe’ પર થયેલા ગોળીબારની ઘટના ફરી ચર્ચામાં આવી છે. અગાઉ આ કેફેની બહાર બે વાર ફાયરિંગ થઈ ચૂક્યું છે, જેના માટે કેટલાક ખાલિસ્તાની સમર્થક સંગઠનોએ જવાબદારી લીધી હતી. હવે અમૃતસરમાં થયેલા હુમલાના તાર પણ આ જૂની ધમકીઓ અથવા આંતરરાષ્ટ્રીય ખંડણી રેકેટ સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમે પણ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે. ઘટનાને પગલે હોલી સિટી વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે અને શંકાસ્પદ લોકોની હલચલ પર નજર રાખવામાં આવી રહી છે.કપિલ શર્મા દેશના સૌથી લોકપ્રિય કોમેડિયન અને ટીવી હોસ્ટમાંથી એક છે. આવી ઘટના બાદ તેમના ચાહકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોને ઝડપવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. હવે તપાસમાં આગળ શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *