કાળઝાળ ગરમી વચ્ચે ચૂંટણી પંચની તડામાર તૈયારી, મેડિકલ ટીમ રહેશે ખડેપગે તૈનાત

આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે દિવસને લઈને હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે આ દિવસે ગરમીમાં વધારો થઈ શકે છે.હવામાન વિભાગ દ્વારા હિટવેવની જાણકાઋ અપાતા જ રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે અને લોકોને ખાસ સૂચન પણ કરવામાં આવ્યા છે અને સાથે તકેદારીના પગલાં લેવા માટે કહેવાયું છે.

ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ અને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને ગરમીના પ્રકોપથી સુરક્ષા મળે તે માટે તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે.

ચૂંટણી પંચની સૂચના મુજબ રાજ્યના તમામ મતદાન મથકો, મતગણતરી કેન્દ્રો અને ડિસ્પેચ સેન્ટરો પર આરોગ્ય સંબંધિત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરેક કેન્દ્ર પર મેડિકલ ટીમ તૈનાત રહેશે જેથી તાત્કાલિક સારવાર મળી શકે. સાથે સાથે ફર્સ્ટ એઈડ કિટ, ORS પેકેટ અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રહેશે. જિલ્લા આરોગ્ય અધિકારીઓને આ તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.

ગરમીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો અને નાદુરસ્ત તબિયત ધરાવતા લોકો માટે વહેલી સવારે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન બહાર જવાનું ટાળવું અને ભારે કામ ન કરવું તે હિતાવહ ગણાવવામાં આવ્યું છે. તંત્રનો ઉદ્દેશ્ય છે કે મતદારો સુરક્ષિત રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ગરમીની અસરને ઓછામાં ઓછી રાખવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. મેડિકલ સુવિધાઓ સાથે સાથે સ્થળ પર ઠંડક માટેની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને આરામ માટેના ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદારોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે. તંત્રના આ પ્રયાસો વચ્ચે રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *