Donald Trump: ટ્રમ્પ હવે દવાઓ પર ટેરિફ લાદશે; કહ્યું- ‘ઘણા દેશોએ અમને લૂંટ્યા, હવે અમારો વારો’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે 180 દેશો પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફ આજથી અમલમાં આવી રહ્યો છે. ભારત પર લાદવામાં આવેલો 26 ટકા ટેરિફ સવારે 9.31 વાગ્યાથી અમલમાં આવી ગયો છે.
ટ્રમ્પે કહ્યું- ભારત અમેરિકા પર 52% સુધીનો ટેરિફ લાદે છે, તેથી અમેરિકા ભારત પર 26% ટેરિફ લાદશે. અમે અન્ય દેશો પાસેથી લગભગ અડધા ટેરિફ વસૂલ કરીશું, જે તેઓ અમારી પાસેથી વસૂલ કરી રહ્યા છે, તેથી ટેરિફ સંપૂર્ણપણે પારસ્પરિક રહેશે નહીં. હું એ કરી શકતો હતો, પરંતુ ઘણા દેશો માટે એ મુશ્કેલ હોત. અમે આ કરવા માગતા ન હતા.
ભારત પર લાદવામાં આવેલા આ ટેરિફ પછી આજથી અમેરિકામાં નિકાસ થતી દરેક ભારતીય વસ્તુ પર 26% ડ્યૂટી વસૂલવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટેરિફની ભારત પર અનેક સ્તરે અસર પડી શકે છે.
ટ્રમ્પે કહ્યું કે દવાઓ બીજા દેશોમાં બને છે અને તમારે તેની કિંમત વધારે ચૂકવવી પડે છે. જે દવા લંડનમાં 88 ડોલરમાં વેચાય છે એ જ દવા અમેરિકામાં 1300 ડોલરમાં વેચાઈ રહી છે. હવે આ બધું પૂરું થઈ જશે. ટેરિફ લાદવાથી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાછી ફરશે, કારણ કે અમેરિકા એક વિશાળ બજાર છે. જો આવું નહીં થાય તો વિદેશી દવા કંપનીઓએ ભારે કર ચૂકવવો પડશે. ટ્રમ્પે એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ દવાઓ પર ટેરિફ ક્યારે લાદશે અને એ કેટલો હશે.
ટ્રમ્પની જાહેરાત પછી બજાર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આનાથી દવાઓના ભાવ વધી શકે છે અને સપ્લાય ચેઇન પર અસર પડી શકે છે. ભારત ઓછી કિંમતે જિનેરિક દવાઓનું ઉત્પાદન કરે છે, જેનાથી યુએસ હેલ્થકેર સિસ્ટમ દર વર્ષે અબજો ડોલરની બચત કરે છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, અમેરિકામાં મોટા ભાગની સસ્તી જિનેરિક દવાઓ ભારત અને ચીનથી આવે છે. દર્દીઓને મોંઘી દવાઓ મેળવવાનું નુકસાન સહન કરવું પડશે, જેનાથી અમેરિકાના લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અનુસાર, યુએસમાં વપરાતી તમામ જિનેરિક દવાઓમાંથી લગભગ 40% ભારતમાંથી આયાત કરવામાં આવે છે. ભારતમાંથી નિકાસ થતી દવાઓમાં એન્ટીબાયોટિક્સ, એન્ટીડિપ્રેસન્ટ્સ અને હૃદય રોગની દવાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો, S Jaishankar: શું ટેરિફનુ સંકટ ટળી જશે? એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી સાથે કરી વાટાઘાટો