ગુજરાતમાં ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ! જુદા જુદા જિલ્લાઓમાં ડૂબી જવાની ઘટનામાં 13ના મોત

ધૂળેટીના પવિત્ર તહેવાર પર ગુજરાતમાં પાંચ અલગ-અલગ ડૂબવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. અમદાવાદ, અરવલ્લી અને સુરતમાં બનેલી આ કરુણ દુર્ઘટનાઓમાં 5 બાળકો સહિત કુલ 13 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.

અમદાવાદના સીતાપુર ગામે ધૂળેટીની ઉજવણી બાદ ઝોલાસર તળાવમાં 5 જેટલા બાળકો નાહવા પડ્યા હતા. આ દરમિયાન ત્રણ બાળકોના ડૂબી જતાં મોત થયા છે. જ્યારે અન્ય બે બાળકોને હેમખેમ બહાર કઢાયા હતા. ઘટનાની જાણ હાંસલપુર પોલીસ મથકને થતાં પોલીસ તાત્કાલિક દોડી જઈ કાર્યવાહી કરી હતી. ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે સીતાપુર સહિત સમગ્ર પંથકમાં શોકની લહેર છવાઈ ગઈ છે. પરિવારોમાં અરેરાટી મચી જવા પામી છે ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે.

કોઠંબા નજીક આવેલા રાઘવના મુવાડા ગામે ધૂળેટી રમીને તળાવમાં નાહવા પડેલા 4 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ લુણાવાડાની રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એક જ ગામના 4 આશાસ્પદ યુવાનોના એકસાથે મોત થતાં આખું ગામ હિબકે ચઢ્યું.

અમરેલીમાં ધૂળેટીના તહેવારની ઉજવણી વચ્ચે એક કરુણ ઘટના સામે આવી છે. શહેરના બહારપરા વિસ્તારમાં રહેતો એક યુવક ધૂળેટી રમ્યાં બાદ શેત્રુંજી નદીમાં નાહવા માટે ગયો હતો, જ્યાં અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તહેવારના દિવસે જ આશાસ્પદ યુવકનું મોત થતા બહારપરા પંથક સહિત સમગ્ર અમરેલીમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. ધૂળેટી રમીને શરીર સાફ કરવા માટે ગામના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ, રાયચંદ ડામોર અને જૈમીન ડામોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોરણ 5 અને 6 માં અભ્યાસ કરતા આ માસૂમ બાળકોના મોતથી ડામોર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા, જેમને પોસ્ટમોર્ટમ અર્થે માલપુર CHC ખાતે ખસેડાયા છે.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ પાસે પણ આવી જ એક ગમખ્વાર ઘટના બની છે. કીમ નદીમાં ધૂળેટીના દિવસે નહાવા ગયેલા ત્રણ મિત્રો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. મૃતકોની ઓળખ ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી સિંગ અને સંજય ધનજી માંગુકિયા તરીકે થઈ છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ નદીમાંથી ત્રણેયના મૃતદેહ બહાર કાઢી કીમ PHC સેન્ટર ખાતે મોકલી આપ્યા છે. કોસંબા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:ભારતથી પરત ફરી રહેલા ઈરાની જહાજ પર શ્રીલંકા પાસે સબમરિન હુમલો, અનેકના મોત-100થી વધુ ગુમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *