પંચાયતથી લઈને મુખ્યમંત્રી સુધી ભાજપના હોવા છતાં કોઈ બિલ મામલે બોલતું નથી, નેતાઓ માત્ર ચૂંટણીમાં જ દેખાય છે: Isudan Gadhvi

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં દુષ્કાળ પડ્યો છે. અત્યારે ખેડૂતોના ખાતામાં કોઈ નાણાં નથી; ન તો મોસમ આવી છે કે ન તો શિયાળુ પિયત થવાનું છે, અને ચારે બાજુથી ઉઘરાણીવાળાના ફોન આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારે માત્ર લોલીપોપ આપ્યો અને તે નાણાં પણ હજુ સુધી ખાતામાં જમા કર્યા નથી, ઊલટાનું તે લોલીપોપ પાછું લઈ લેવાનું આ ભ્રષ્ટ ભાજપ સરકારે નક્કી કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાથી મને ગઈકાલે ઘણા ફોન આવ્યા, કારણ કે હું બે-ચાર દિવસથી ત્યાં જ હતો. ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ પોતાનો ધંધો વિકસાવવા માટે પોલીસને થાંભલાઓમાં કામે લગાડે છે અને હવે ખેડૂતો ઉપર ‘દાઝ્યા પર ડામ’ દેવાનું શરૂ કર્યું છે, તેમજ PGVCL ની રેડો કરાવે છે. ખેડૂતોના ખેતરમાં પાણી કે સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી, છતાં આ જ ખેડૂતોના ઘર કે વાડીના બિલ ઉપર PGVCL અત્યારે લાખ-લાખ અને દોઢ-દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારી રહી છે. ૨૦૨૨ ને યાદ કરો; ૨૦૨૨ માં જો આમ આદમી પાર્ટીની સરકાર બની હોત તો ખેડૂતોની વીજળી ફ્રી હોત અને કોઈ PGVCL વાળાની તાકાત ન હોત. કોઈ પણ નેતા કહેતે તો તમારા ઘરે આવી ન શકત, કારણ કે વીજળી ફ્રી હતી અને ઘરની વીજળી મહિને ૩૦૦ યુનિટ એટલે કે બે મહિનાના બિલમાં ૬૦૦ યુનિટ વીજળી ફ્રી મળે, જે અત્યારે પંજાબમાં પહેલેથી જ મળી રહી છે. આ કોઈ નવી વાત નથી; પંજાબમાં ખેડૂતોને ખેતરમાં વીજળી ફ્રી મળે છે અને ૯૦% નાગરિકોને બે મહિનામાં આશરે ૬૦૦ યુનિટ (૫૯૯ યુનિટ) વીજળી ફ્રી મળે છે. પરંતુ આપણે આ મહાકાય રાક્ષસ જેવી ભાજપને પસંદ કરી અને ભાજપના નેતાઓ એવા નમાલા થયા કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ, મંત્રી કે મુખ્યમંત્રી બધા એમના બનાવ્યા, છતાં તમારા કે મારા બિલ વિશે કોઈ બોલતું નથી કે “PGVCL વાળા હવે અહીં ન જતા.”
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે અત્યારે તો એ બધા દુઃખી છે અને નહીં બોલે; આ ભાજપના નેતાઓ માત્ર ને માત્ર ચૂંટણી સમયે જ દેખાશે. ભાજપના નેતાઓનું કામ માત્ર ચૂંટણી સમયે આવીને દારૂ અથવા નાણાંનો બેફામ દુરુપયોગ કરવાનું છે, તેઓ આમાં જ ટેવાયેલા છે. તમે ભૂતકાળમાં જોયું હશે અને ભવિષ્યમાં પણ આ લોકોને એવું લાગશે કે આનાથી મત મળી જાય છે, પરંતુ તમારે હિંમત હારવાની જરૂર નથી. આજે આમ આદમી પાર્ટીની ભલે સરકાર ન બની હોય, પણ જેમને જેમને બિલ આવ્યા છે તેઓ પહેલી તારીખે મંગળવારે સવારે ૧૧:૦૦ વાગ્યે જામ ખંભાળિયાની PGVCL ઓફિસમાં ભેગા થાવ. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ, હમણાં જ જિલ્લા પંચાયત ચૂટેલા આમ આદમી પાર્ટીના વીરુભાઈ આહિર અને રૂઘાભાઈ આંબલિયા સહિતના આગેવાનો તમારી સાથે હશે અને તમને ન્યાય અપાવશે, તેમજ આપણે PGVCL ની કચેરીએ ભેગા થઈને ન્યાય માંગીશું. તમારે ક્યાંય ડરવાની કે હિંમત હારવાની જરૂર નથી, પણ હા, એટલું ચોક્કસ કહીશ કે હવેની ચૂંટણીઓમાં સોગંધ ખાઈ લેજો કે ભાજપના લોકોને મત નહીં આપતા. જો ભાજપ આપણા મત કાપવા માટે બીજી કોઈ પાર્ટીને પણ ઊભી કરે, તો ત્યાં પણ આપણે જાગૃત રહેવાનું છે, કારણ કે આ ખેલ ભાજપ વર્ષોથી કરતું આવ્યું છે. એટલા માટે આપણે સૌ એક થઈએ.