સુરત: ‘ભૂતિયા ડિમૉલિશન’ મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું ‘કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર’

સુરતના કતારગામ ઝોનમાં આવેલા નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમૉલિશન મામલે 12 દિવસના લાંબા મૌન બાદ આખરે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે. મનપાના સેન્ટ્રલ ઝોનના અધિકારી આશિષ નાયકે એક સત્તાવાર રેકોર્ડેડ વિડીયો નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે, સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં જેને ‘ભૂતિયા ડિમોલિશન’ (નકલી અથવા બિનસત્તાવાર તોડકામ) ગણાવવામાં આવી રહ્યું છે, તે હકીકતમાં સંપૂર્ણપણે કાયદેસર અને વહીવટી પ્રક્રિયા હતી.

અધિકારી આશિષ નાયકે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આ પ્રકારના દાવાઓ ભ્રામક છે અને હકીકતથી દૂર છે. મનપાએ સ્પષ્ટ કર્યું કે ટીમ કાયદેસરની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પર પહોંચી હતી તેમજ સમગ્ર કાર્યવાહી નિયમો અનુસાર હાથ ધરવામાં આવી હતી. મીડિયામાં પ્રસારિત થઈ રહેલા અહેવાલો તદ્દન એકતરફી અને ગેરમાર્ગે દોરનારા છે. મનપાની ટીમ માત્ર પોતાની સત્તાવાર ફરજ બજાવી રહી હતી. આ ખોટા નકારાત્મક પ્રચાર અને સતત વધતા રાજકીય દબાણને કારણે તંત્રના કેટલાક અધિકારીઓ અત્યંત માનસિક તણાવ અનુભવી રહ્યા છે, જેના કારણે જ કંટાળીને તેમણે રજા પર ઉતરી જવું પડ્યું છે.

બીજી તરફ, મનપાના આ મોડા મોડા આવેલા ખુલાસા બાદ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુ મોરડિયાએ મનપાના આ રેકોર્ડેડ નિવેદન સામે આકરા સવાલો ઉઠાવતા તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે પડકાર ફેંકતા પૂછ્યું છે કે, “જો આ ડિમૉલિશન ખરેખર કાયદેસર અને મનપા દ્વારા જ કરાયું હતું, તો પછી કમિશનર કે વરિષ્ઠ અધિકારીઓએ જાહેરમાં આવીને સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કેમ ન યોજી? 12 દિવસ સુધી રહસ્ય કેમ જાળવી રાખવામાં આવ્યું?” આ વિવાદ હવે વહીવટી વિવાદ મટીને રાજકીય આક્ષેપબાજીમાં ફેરવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *