આતિશીએ LG વીકે સક્સેના સાથે કરી મુલાકાત, દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી આપ્યું રાજીનામું

દિલ્હીથી સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દિલ્હીમાં આપ આદમી પાર્ટીની કારમી હાર અને ભાજપની પ્રચંડ જીત બાદ હવે ભાજપની સરકાર બનવા જઇ રહી છે. આ અંતર્ગત આજે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. આ તરફ દિલ્હીના LG VK સક્સેનાએ પાછલી વિધાનસભાને વિસર્જન કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આજે આતિશીએ રાજીનામું આપી દીધું છે. આજે લગભગ સવારે 11 વાગ્યે તેઓ રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને મળ્યા અને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ સાથે LG એ પાછલી વિધાનસભા ને વિસર્જન કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સૂચના સાથે નવી વિધાનસભાની રચનાનો માર્ગ મોકળો થયો છે.
નવી વિધાનસભાની રચના પછી સરકાર બનાવવાની પ્રક્રિયા પણ શરૂ થશે. શનિવારે આવેલા ચૂંટણી પરિણામોમાં ભાજપને 48 અને આમ આદમી પાર્ટીને 22 બેઠકો મળી. ભાજપ દ્વારા હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી.