સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ‘દાદા’ તરીકે જાણીતા સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને કેટલાક ધમકીભર્યા પત્રો મળ્યા છે. આ ગંભીર મામલે તેમના અંગત સચિવ (પર્સનલ સેક્રેટરી) તાનિયા ભટ્ટાચાર્યએ ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં સૌરવ ગાંગુલી, તેમના પત્ની ડોના ગાંગુલી અને તેમના સ્ટાફની સુરક્ષાને લઈને ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં તાનિયા ભટ્ટાચાર્યએ જણાવ્યું છે કે, તેઓ સૌરવ ગાંગુલી વતી આ ફરિયાદ આપી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી એક અજાણ્યા વ્યક્તિ તરફથી સૌરવ ગાંગુલીના નામે અપમાનજનક અને બિભત્સ ટિપ્પણીઓ વાળા પત્રો આવી રહ્યા હતા. શરૂઆતમાં તો આ પત્રોને એટલી ગંભીરતાથી લેવામાં આવ્યા ન હતા, કારણ કે એવું લાગી રહ્યું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ ગાંગુલીથી નારાજ છે અને માત્ર પોતાનો ગુસ્સો કાઢવા માટે આવા પત્રો મોકલી રહ્યો છે.
પરંતુ, મામલો ત્યારે ગરમાયો અને વધુ ગંભીર બન્યો જ્યારે તાજેતરમાં જ સૌરવ ગાંગુલી અને ડોના ગાંગુલીના નામે વધુ 2 પત્રો આવ્યા. આ પત્રોમાં માત્ર અપમાનજનક વાતો જ નહોતી, પરંતુ ગાંગુલી દંપતી અને તેમના માટે કામ કરતા તમામ સ્ટાફના જીવ અને સલામતી માટે ખુલ્લી ધમકીઓ આપવામાં આવી હતી. આ પત્રોની ભાષા અને ધમકીની ગંભીરતા જોતા પરિવાર અને સ્ટાફની સુરક્ષાને લઈને ભયનો માહોલ ઉભો થયો છે.
તાનિયાએ પોલીસને સ્પષ્ટ કર્યું છે કે હવે આ માત્ર ગાળો કે અપમાનનો વિષય નથી રહ્યો, પરંતુ સીધી જાનથી મારી નાખવાની ધમકીનો મામલો છે. આથી, તાત્કાલિક ધોરણે પોલીસ તપાસ થવી ખૂબ જ જરૂરી છે. તેમણે પોલીસને ગુનેગારને પકડવા અને પરિવારને પૂરતી સુરક્ષા પૂરી પાડવા વિનંતી કરી છે.
અહેવાલો અનુસાર, આ ધમકીભર્યા પત્રો ગાંગુલીના ઘરે કુરિયર મારફતે મોકલવામાં આવ્યા હતા. કુરિયરના પેકેટ પર મોકલનાર તરીકે ‘અરુણ કુમાર’ નું નામ લખેલું છે અને સરનામું બેલઘરિયાનું આપવામાં આવ્યું છે. જોકે, પેકેટ પર લખેલું આ નામ અને સરનામું કેટલું સાચું છે તે તો પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.
હાલમાં પોલીસ આ પત્રો ક્યાંથી આવ્યા, કુરિયર કંપનીનો રેકોર્ડ શું કહે છે અને આ મોકલનાર વ્યક્તિની માહિતી સાચી છે કે ખોટી, તે તમામ દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે. પત્રોમાં લખેલા લખાણના આધારે પણ કેસની કડીઓ જોડવામાં આવી રહી છે.
સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટના સૌથી દિગ્ગજ અને લોકપ્રિય ખેલાડીઓમાંથી એક છે, જેમણે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાનું સફળ નેતૃત્વ કર્યું છે. આવા મોટા ગજાના વ્યક્તિત્વ અને તેમના પરિવારને મળેલા આ ધમકીભર્યા પત્રોએ સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે. હવે પોલીસની ઊંડી તપાસમાં જ બહાર આવશે કે આ ગંભીર ધમકીઓ પાછળ ખરેખર કોનો હાથ છે અને તેમનો અસલી મકસદ શું છે.