Cyber crime: ફેક ડ્રીમ ઇલેવન પેજથી 10 પાસ યુવકે લાખોનો ફ્રોડ કર્યો, સાડીના વેપારીને 17 લાખનો ચૂનો ચોપડ્યો

સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સાયબર ગઠિયાઓ નવી નવી ફોર્મ્યુલા દ્નારા લોકો સાથે છેતરપીંડી આચરે છે. આવી જ એક ઘટના વિરમગામમાં બની છે. જેમાં 10 પાસ યુવકે વિરમગામના જાણીતા સાડીઓના વેપારીને રૂપિયા 17 લાખનો ચૂનો ચોપડ્યો છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામના જાણીતા સાડીના વેપારી જતીનભાઈને માર્ચ 2024 થી જ્યારે અલગ અલગ આઈપીએલ, વર્લ્ડ કપ સહિતની મેચની સિરીઝ ચાલતી હતી તે દરમિયાન તેમના મોબાઈલ પર વોટ્સેપમાં એક લિંક આવી હતી.જેમાં ક્લિક કરતા ડ્રીમ ઇલેવન ડ્રીમ ટીમ સહિત અલગ અલગ નામના ફેસબુક પેજ ખુલતા હતા. જેમાં યોગ્ય ટીમ બનાવી સારું વળતર અપાવી દેવાની લાલચ આપી હતી.ફરિયાદી જતીનભાઈ લાલચમાં આવી શરૂઆતમાં થોડા રૂપિયાનું રોકાણ કર્યું હતું જે બાદ તેને વોટસએપ પર સ્ક્રીનશોટ આવ્યો હતો જેમાં તેઓની ટીમ સાડા ત્રણ લાખ રૂપિયા જીતી હોવાનું બતાવવામાં આવ્યું હતુ, જે પેટે તેમને જીતની રકમના 50 ટકા આપવા પડશે તેવું કહી દોઢ લાખ રૂપિયા એક એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા અને આ રીતે વેપારી જતીનભાઈ પાસેથી અલગ અલગ સમયે 17 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. વેપારી જતીનભાઈને તેના રૂપિયા પરત નહી મળતા તેને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું ખ્યાલ આવતા તેને વિરમગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ત્રણ મહિના સુધી વિરમગામ પોલીસ ટેકનિકલ સોર્સ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જે દરમ્યાન આરોપીની માહિતી મળતાં વિરમગામ ટાઉન પોલીસની એક ટીમ હરિયાણાના નૂહ જિલ્લાના એક ગામમાં આરોપીની ધરપકડ કરવા માટે પહોંચી હતી. પોલીસ દ્વારા વેશપલટો કરી આરોપીની ધરપકડ કરવા માટે પહોંચી હતી, જે દરમિયાન એ ગામમાં બેસણું ચાલતું હતું જેમાં પોલીસ પહોંચી હતી અને આરોપી વિશે તમામ માહિતી મેળવી હતી. જોકે ગામ લોકોને ખ્યાલ આવી જતા વિરમગામ પોલીસના સ્ટાફને ઘેરી લીધો હતો. જે બાદ સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે મુલ્થાન મુડબાસ ગામથી આરોપી મોહમ્મદ કેફની ધરપકડ કરી છે પોલીસે તેના ઘરનું પણ સર્ચ કર્યું હતું. આરોપી પાસેથી મોબાઇલ તેમજ 4.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર કેસમાં અલગ અલગ 47 જેટલા બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે જેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ જયારે આરોપીને પકડ્યો ત્યારે તેણે પોલીસને કહ્યું સાહેબ અહીંયા બધા આ જ કરે છે અને મને મિત્રએ શીખવાડ્યું છે. આખરે પોલીસ 10 પાસ આરોપીને લાખોના ચિટિંગમાં.અમદાવાદ લઇ આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી મોહમ્મદ કેફ છેલ્લા ઘણા સમયથી તેના ગામમાં રહીને દેશના અલગ અલગ લોકો સાથે ફ્રોડ કરતો હતો, એટલું જ નહીં પરંતુ આ ગામના અન્ય લોકો પણ સાયબર ફ્રોડને અંજામ આપતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. આરોપી મોહમ્મદ કેફ થોડા સમયથી જ સાયબર ફ્રોડ કરતા શીખ્યો હતો અને તેણે પોતે જ ફેસબુક પેજ તેમજ વોટ્સએપ લિંક સહિતની ટેકનિકલ વસ્તુઓ બનાવી હતી. આરોપી મોહમ્મદ કેફ પોતાની રીતે જ સાયબર ફ્રોડને અંજામ આપતો હતો. જોકે હજી તે સાઇબર ફ્રોડ કરતાં શીખ્યો હતો તેથી અમુક ટેકનિકલ ખામીઓ રહી ગઈ હતી જેના આધારે વિરમગામ પોલીસ આરોપી સુધી પહોંચી હતી.

આરોપી મોહમ્મદ કેફ ફેસબુક પર ડ્રીમ ઇલેવન વિનિંગ નામનું પેજ બનાવી તેને રોજેરોજ બુસ્ટ કરાવતો હતો જેથી તે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. સોશિયલ મીડિયા પર જે લોકો તેમાં આપેલી લીંક પર ક્લિક કરતા હતા ત્યારે આરોપી તેનો મોબાઈલ નંબર મેળવી લોકોનો સંપર્ક કરતો હતો અને ડ્રીમ ઇલેવન ટીમ બાબતે લોકોને સમજાવી તેમાં શરૂઆતમાં 399 રૂપિયા ભરી ખાતું ખોલાવડાવતો હતો. આરોપી મોહમ્મદ કેફ સામેની વ્યક્તિને વિશ્વાસ આપતો હતો કે તેમના દ્વારા જે ટીમ બનાવવામાં આવશે તે ચોક્કસ વિજેતા બનશે તેમ કહી લોકોને પહેલા ત્રણથી ચાર લાખ વિજેતા થયા હોવાનો સ્ક્રીનશોટ મોકલતો હતો અને તે રૂપિયા મેળવવા માટે અલગ અલગ ટેક્સ ચૂકવવા પડશે તેમજ જીતેલી રકમના 50% તેમને આપવા પડશે તેવું કહી લોકો પાસેથી છેતરપિંડી કરતો હતો.

આ પણ વાંચો, Cyber crime: સાયબર ગઠિયાઓની નવી ફોર્મ્યુલા, કોલ મર્જ કરશો ને બેન્ક ખાતું ખાલી

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *