તમારા ઘરનું લાઈટ બિલ અડધું જ આવશે!:AC-ફ્રિજ અને પંખાનો આ રીતે ઉપયોગ કરો, વીજળીની બચત માટે અજમાવો 5 ટ્રિક્સ

વધતી મોંઘવારી વચ્ચે લાઈટના બિલે દરેક ઘરના બજેટને અસર કરી છે. આવી સ્થિતિમાં થોડી સમજદારી અને આદતોમાં ફેરફાર કરીને તમે વીજળીના વપરાશને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકો છો. ઘરનું લાઈટ બિલ ઘટાડવા માટે આ 5 સરળ ઉપાયોને આજથી જ અપનાવી લો. તેમાં ACનો યોગ્ય તાપમાને ઉપયોગ, 5 સ્ટાર રેટિંગવાળા ઉપકરણો અપનાવવા, LED અને BLDC પંખાઓનો ઉપયોગ, સ્ટેન્ડબાય મોડથી થતા બગાડથી બચાવ અને ફ્રિજની યોગ્ય જાળવણીનો સમાવેશ થાય છે. તેના દ્વારા તમે દર મહિને મોટી બચત કરી શકો છો.
ACનો યોગ્ય રીતે ઉપયોગ
ACને હંમેશાં 24થી 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર જ ચલાવો. તાપમાનમાં દર 1 ડિગ્રીનો વધારો કરવાથી લગભગ 6 ટકા સુધી વીજળીની બચત થાય છે. એસીની સાથે સીલિંગ ફેન પણ ચાલુ રાખો તેનાથી રૂમ ઝડપથી ઠંડો થાય છે અને એસી પરનો ભાર ઓછો થાય છે. આ ઉપરાંત, એસીનું એર ફિલ્ટર દર 15 દિવસે સાફ કરતા રહો. ગંદું ફિલ્ટર કૂલિંગ ઘટાડે છે, જેના કારણે વીજળીનો વપરાશ વધતો જાય છે.
જ્યારે નવું ફ્રિજ, એસી અથવા વોશિંગ મશીન ખરીદો, ત્યારે તેના પર ઊર્જા કાર્યક્ષમતા દર્શાવતું 5 સ્ટાર લેબલ જરૂર જુઓ. 3 સ્ટારની સરખામણીએ 5 સ્ટાર ઉપકરણો ઘણી ઓછી વીજળી વાપરે છે. આ ઉપરાંત, ખૂબ જૂનાં ઉપકરણો સમય જતાં વધુ વીજળીનો ઉપયોગ કરે છે, તેથી તેમને સમયસર બદલી નાખો.
LED બલ્બ અને BLDC પંખાઓનો જ ઉપયોગ કરો
ઘરના જૂના પરંપરાગત બલ્બ અથવા સીએફએલને તરત જ એલઇડી બલ્બથી બદલી નાખો, જે પરંપરાગત બલ્બની સરખામણીએ 80 ટકા સુધી વીજળી બચાવે છે. આ ઉપરાંત, જૂના ઇન્ડક્શન પંખાઓની જગ્યાએ આધુનિક બીએલડીસી ટેક્નોલોજીવાળા પંખા લગાવો, જે સામાન્ય પંખાઓની સરખામણીએ 40થી 50 ટકા સુધી ઓછી વીજળી વાપરે છે.
ફેન્ટમ લોડ એટલે કે સ્ટેન્ડબાય મોડથી બચો
ઘણીવાર આપણે ટીવી, સેટઅપ બોક્સ, વોશિંગ મશીન અથવા મોબાઇલ ચાર્જરને માત્ર રિમોટથી બંધ કરીને મેઇન સ્વિચ ચાલુ રાખીએ છીએ. તેને સ્ટેન્ડબાય મોડ અથવા ફેન્ટમ લોડ કહેવામાં આવે છે. ઉપકરણનો ઉપયોગ ન હોય ત્યારે તેનો પ્લગ સ્વિચથી બંધ કરી દો, કારણ કે સ્ટેન્ડબાય મોડમાં પણ આ ઉપકરણો લગભગ 10 ટકા સુધી વીજળી વાપરતા રહે છે.
ફ્રિજનો સ્માર્ટ ઉપયોગ કરો
ફ્રિજને ક્યારેય પણ દીવાલ સાથે અડાવીને ન રાખો. તેની પાછળ ઓછામાં ઓછી 12 ઇંચની જગ્યા છોડો, જેથી હવાનું પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકે. ફ્રિજનો દરવાજો વારંવાર અથવા 30 સેકન્ડથી વધુ સમય માટે ખુલ્લો ન રાખો. કોઈપણ ગરમ ખોરાક અથવા દૂધ સીધું ફ્રિજમાં ન રાખો, પહેલાં તેને બહાર સામાન્ય તાપમાને ઠંડું થવા દો. ત્યારબાદ જ તેને ફ્રિજમાં મૂકો.
બજારના ભ્રામક દાવાઓથી બચો
ઇન્ટરનેટ અથવા બજારમાં લાઈટ બિલ અડધું કરવાનો દાવો કરતા અનેક નકલી પાવર સેવર ડિવાઇસ અથવા કેપેસિટર ગેજેટ્સ વેચવામાં આવે છે. સરકારી અથવા ડિજિટલ મીટરમાં કોઈપણ પ્રકારનું બાહ્ય ઉપકરણ લગાવવું અથવા તેની સાથે છેડછાડ કરવી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જેના માટે દંડ અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
લાઈટ બિલ ઘટાડવાનો એકમાત્ર સુરક્ષિત અને યોગ્ય રસ્તો ઊર્જાની બચત કરવાનો છે. આવી સ્થિતિમાં જો તમે વીજળીના બિલમાંથી સંપૂર્ણપણે મુક્તિ મેળવવા માંગતા હો, તો કેન્દ્ર સરકારની PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ તમારા ઘરની છત પર રૂફટોપ સોલર પેનલ લગાવી શકો છો, જેના પર સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે.