
અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા માટે પોલીસ દ્વારા આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડવાની સાથે પાસા, તડીપાર જેવા આકરા પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે પોલીસ કમિશનર જી. એસ. મલિકે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે 10થી 12 વર્ષ અગાઉ ક્રાઈમ બ્રાંચમાં અલગ અલગ ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને તબક્કાવાર બોલાવીને તેમની પુછપરછ કરવામાં આવતી હતી, તે હવે ફરીથી શરૂ કરાશે.
ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલથી માંડીને ઉચ્ચ અધિકારીઓ તે આરોપીઓને સારી રીતે ઓળખી શકતા હતા. પરિણામે ગુનેગારોને કાબુમાં રાખવામાં સફળતા મળતી હતી. જેથી આ ટ્રેડીશનલ પોલીસિંગ સિસ્ટમને પરત લાવીને હવે દર રવિવારે ક્રાઈમ બ્રાંચમાં આરોપીઓને બોલાવવાની શરૂઆત કરવામાં આવી છે. જે અનુસંધાનમાં 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા.
ગુનાની પ્રવૃતિથી દૂર રહેવા માટે તાકીદ કરી
અમદાવાદમાં બનેલી વસ્ત્રાલની ઘટનાને પગલે પોલીસ દ્વારા માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમા પહેલીવાર આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહીના ભાગરૂપે આરોપીઓની ગેરકાયદે મિલકતો તોડવાની કામગીરી કરવામાં આવી હતી. સાથે સાથે પાસા અને તડીપારની કાર્યવાહી હેઠળ અનેક અસામાજિક તત્ત્વોને જેલમાં ધકેલવામાં આવી રહ્યાં છે. ત્યારે પોલીસ કમિશનર જી. એસ. મલિકે 23મી માર્ચે ક્રાઈમ બ્રાંચની વિઝીટ લીધી હતી. જ્યાં અમદાવાદમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 353 જેટલા આરોપીઓને બોલાવીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાયદાનું પાલન કરવા માટે સૂચના આપી હતી અને ગુનાની પ્રવૃતિથી દૂર રહેવા માટે તાકીદ કરી હતી. જે પૈકી 300 આરોપીઓ પાસાના સજા કાપી ચૂક્યા છે.
આ પણ વાંચો, Bollywood: ઓફ શૉલ્ડર ગાઉન પહેરી કેમેરાની સામે ઠૂમકા મારતી નિમરત કૌર, 42ની ઉંમરમાં આપ્યા આવા પૉઝ
