રાજકોટ મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!

રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગતા મનપા રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. ખુદ શાસક પક્ષ ભાજપના જ પૂર્વ નેતા વિનુભાઈ ઘવાએ અધિકારીઓ પર ડિમોલિશન દરમિયાન ચા પાણી નાસ્તાના નામે ખોટા બિલો રજૂ કરીને લાખો રૂપિયાની રોકડી કરવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે.
ભાજપ નેતા વિનુભાઈ ઘવાએ આરોપ લગાવ્યો છે કે, શહેરમાં થયેલા ડીમોલિશન અને તે પહેલાં ચા-પાણી તેમજ નાસ્તાના ખર્ચના નામે લાખો રૂપિયાના ખોટા બિલો બનાવવામાં આવ્યા છે. કુલ 27 લાખ રૂપિયાના બિલ મુદ્દે મોટો ધડાકો કરતા તેમણે જણાવ્યું કે, જે તે સમયે નાસ્તા અને ભોજનની તમામ વ્યવસ્થા સામાજિક સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી, છતાં રાજકોટ મનપાના અધિકારીઓએ પોતાના નામે ખોટા બિલો રજૂ કરી દીધા છે.
વિનુભાઈ ઘવાએ આરોગ્ય અધિકારી જયેશ વકાણી પર સીધા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે કે, પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ) ના નામે 150 ફૂડ પેકેટના ખોટા બિલ રજૂ કરાયા છે. બિલમાં દર્શાવ્યા પ્રમાણે ત્યાં 40 હજાર અધિકારીઓ હાજર જ નહોતા. આટલું જ નહીં, બિલમાં દર્શાવવામાં આવેલી ‘કાજુ કતરી’નું બિલ પણ તદ્દન ખોટું છે.આ ગંભીર ભ્રષ્ટાચાર બદલ ભાજપ નેતાએ આરોગ્ય અધિકારી જયેશ વકાણીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
ભાજપ નેતાના આ મોટા વિસ્ફોટ બાદ મનપા એક્શનમાં આવી છે. અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આ શંકાસ્પદ બિલોને હાલમાં સ્ટેન્ડિંગ કમિટીએ હોલ્ડ પર મૂકી દીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, આ સમગ્ર વિવાદ અંગે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી જયેશ વકાણીએ પોતાનો પક્ષ રાખતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. એબીપી અસ્મિતા પર વિનુભાઈના સવાલોના જવાબ આપતા વકાણીએ દાવો કર્યો છે કે, “અધિકારીઓ પર લાગેલા તમામ આક્ષેપો ખોટા છે અને રજૂ કરવામાં આવેલા તમામ ખર્ચા સાચા છે.” ખુદ ભાજપના જ નેતાએ પોતાની જ મનપાના અધિકારીઓ સામે મોરચો ખોલતા હવે આ ‘બિલ કૌભાંડ’ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઇ રહી છે.