ગાંધીનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી, ચારધામ યાત્રાથી પરત ફરેલ મહિલા પોઝિટિવ !

એક સમયે સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોના વાયરસ હવે લગભગ ભૂતકાળની બાબત બની ગયો હતો. લોકો ફરીથી સામાન્ય જીવનશૈલી તરફ વળી ગયા હતા અને જાહેર જીવનમાં પણ કોરોનાનો ભય લગભગ સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ ફરી સક્રિય બન્યું છે.
પ્રાથમિક વિગતો મુજબ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા તાજેતરમાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા પૂર્ણ કરીને પરત ફરી હતી. યાત્રા બાદ તેમને શરદી, ઊધરસ અને તાવ જેવા લક્ષણો અનુભવાયા હતા. શરૂઆતમાં સામાન્ય વાયરલ ઇન્ફેક્શન હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તબિયત વધુ ખરાબ થતાં પરિવારજનોએ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
તબીબોએ સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ સરકારી આરોગ્ય પ્રોટોકોલ મુજબ મહિલાને વધુ સારવાર અને નિરીક્ષણ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં ભર્યા હતા. મહિલાના સંપર્કમાં આવેલા પરિવારજનો અને નજીકના લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અન્ય કોઈ વ્યક્તિ સંક્રમિત ન હોવાનું સામે આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.ગાંધીનગરમાં છેલ્લા 14 મહિનાથી કોરોનાનો કોઈ સક્રિય કેસ નોંધાયો ન હતો. એપ્રિલ 2025 બાદ શહેર કોરોના મુક્ત બન્યું હતું. હવે લાંબા વિરામ બાદ ફરી એકવાર સંક્રમણનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. બહારગામ કે અન્ય રાજ્યોમાંથી પ્રવાસ કરીને પરત ફરતા લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરવામાં આવી છે.