કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાનો કમાલ, પાકિસ્તાનના અરશદ નદીમને પછાડીને ફાઇનલમાં મેળવ્યું સ્થાન

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાલા ફેંક ઇવેન્ટથી ભારત માટે એક શાનદાર સમાચાર છે. લાંબા વિરામ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં વાપસી કરી રહેલા સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. માત્ર નીરજ જ નહીં, અન્ય બે ખેલાડીઓ પણ ક્વોલિફાય થયા છે. રોહિત યાદવ અને યશ વીર સિંહે પણ પ્રભાવશાળી પ્રદર્શન કરીને ફાઇનલમાં પોતાની ટિકિટ બુક કરાવી હતી. આ દરમિયાન પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ આગમી રાઉન્ડમાં પ્રવેશ્યો છે. ખાસ વાત એ છે કે, નીરજ ક્વોલિફિકેશન રાઉન્ડમાં અરશદ નદીમ કરતાં આગળ થ્રો કરવામાં સફળ રહ્યો હતો.

ગ્લાસગોમાં આયોજિત ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપરાએ પોતાના શ્રેષ્ઠ પ્રયાસમાં 79.61 મીટરનો થ્રો કર્યો હતો. જોકે તે 84 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક સુધી પહોંચી શક્યો નહોતો, પરંતુ તેણે બંને ક્વોલિફિકેશન ગ્રુપમાં સંયુક્ત પ્રદર્શનના આધારે પાંચમા સ્થાને રહીને 12 ખેલાડીઓના ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

મેચ દરમિયાન હવામાન પરિસ્થિતિઓએ એથ્લેટ્સ માટે મોટો પડકાર ઉભો કર્યો. ગ્લાસગોમાં ઠંડી અને વાદળછાયા વાતાવરણને કારણે, કોઈ પણ ખેલાડી 84-મીટર ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્કને સ્પર્શી શક્યો નહીં. પરિણામે બંને ગ્રુપમાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ફાઇનલિસ્ટ નક્કી કરવામાં આવ્યા હતા.

ભારત માટે ખુશીના સમાચાર એ છે કે ત્રણેય ભારતીય એથ્લેટ્સ ફાઇનલમાં પહોંચ્યા છે. રોહિત યાદવે 78.37 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે નવમા સ્થાને રહીને ક્વોલિફાય કર્યું, જ્યારે યશ વીર સિંહે 78.36 મીટરના પ્રયાસ સાથે 10મું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આનો અર્થ એ થયો કે ભારત પાસે હવે મેડલ માટે ત્રણ મજબૂત દાવેદાર છે.

પુરુષોના ભાલા ફેંક ક્વોલિફિકેશન રાઉન્ડનું રિઝલ્ટ

રૂમેશ પાથિરાજ (SRI) – 82.84 મીટર
એન્ડરસન પીટર્સ (GRE) – 81.29 મીટર
ડુ સ્મિથ (RSA) – 80.64 મીટર
બેન ઇસ્ટ (ENG) – 80.38 મીટર
નીરજ ચોપરા (IND) – 79.61 મીટર
કેમેરોન મેકએન્ટાયર (AUS) – 78.91 મીટર
અરશદ નદીમ (PAK) – 78.63 મીટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *