રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 10 શહેરમાં 13 ડિગ્રીથી નીચે પહોંચ્યું તાપમાન

ગુજરાતમાં ફરી એકવાર હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી સૂસવાટાભર્યા પવન સાથે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને રાત્રિના સમયે લોકો ઠંડીનો વધુ અહેસાસ કરી રહ્યા છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે, જ્યાં પારો 6.4 ડિગ્રી સુધી ઉતરી ગયો છે. નલિયા હાલ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો અમરેલીમાં તાપમાન 8.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 10 ડિગ્રી સુધી પારો ઘટ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીની અસર યથાવત છે. ડીસામાં તાપમાન 10.4 ડિગ્રી અને ભુજમાં 10.2 ડિગ્રી નોંધાયું છે.

રાજ્યના મુખ્ય શહેરોમાં પણ ઠંડી વધી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.1 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જ્યારે ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વહેલી સવાર અને મોડી રાતે લોકો ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગના અંદાજ મુજબ હાલ ઠંડીના આ માહોલમાં તાત્કાલિક મોટા ફેરફારની શક્યતા ઓછી છે. પવનની ઝડપ વધતા ઠંડી વધુ અનુભવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *