અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ પણ ઇંધણ પુરવઠો જાળવવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયા બાદ તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠાની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. પેટ્રોલ અને ગેસની ઉપલબ્ધતા પર કોઈ અસર ન થાય અને દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની નિકાસ પર ડ્યુટી વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા જાહેરનામા મુજબ હવે ડીઝલની નિકાસ પર પ્રતિ લિટર ₹14 અને ATF ની નિકાસ પર પ્રતિ લિટર ₹12.5 ની ડ્યુટી લાગુ કરવામાં આવશે. જોકે પેટ્રોલની નિકાસ પર લાગતી ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે યથાવત રાખવામાં આવી છે. ઉપરાંત, સ્થાનિક બજારમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર લાગતી વર્તમાન એક્સાઇઝ ડ્યુટીમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકાર દ્વારા નક્કી કરાયેલા આ નવા દરો આજથી અમલમાં આવ્યા છે.
સરકારે માર્ચ 2026 દરમિયાન ઈરાન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત થયા બાદ પેટ્રોલ, ડીઝલ અને ATF ની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) તેમજ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) લાગુ કર્યા હતા. આ પગલાનો મુખ્ય હેતુ તે સમયગાળા દરમિયાન પેટ્રોલિયમ કંપનીઓને વધુ પડતી નિકાસ કરતા અટકાવવાનો અને દેશની અંદર ઇંધણની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો હતો. સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને ATF ના ભાવોની દર 15 દિવસે સમીક્ષા કરે છે અને તે મુજબ આ કર દરોમાં જરૂરી ફેરફાર કરે છે. છેલ્લે આ દરોમાં સુધારો 1 જૂનના રોજ કરવામાં આવ્યો હતો.