
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈથી ઇઝરાયલ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટને ક્રેશ થતી બચાવનાર ગુજરાતી કેપ્ટન સ્મિત મછારની બહાદુરીની પ્રશંસા કરી છે. વડાપ્રધાન મોદીએ ‘એક્સ’ પર એક પોસ્ટમાં કેપ્ટન સ્મિતને “હીરો” ગણાવ્યા અને કહ્યું કે અત્યંત ખતરનાક પરિસ્થિતિઓમાં ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમણે અન્ય લોકોને બચાવવા માટે પ્રચંડ હિંમત અને અતૂટ નિશ્ચય દર્શાવ્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું કે તેમની બહાદુરીએ સેંકડો લોકોના જીવ બચાવ્યા અને એક મોટી દુર્ઘટના ટાળી હતી. તેમણે કેપ્ટન સ્મિત પર ગર્વ વ્યક્ત કર્યો અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.
કોકપીટમાં કેપ્ટન પર કાબૂથી કરાયો હુમલો
કેપ્ટન સ્મિત મછારને ભારતીય પાઇલટ તરીકે ઓળખવામાં આવી છે જેમણે બુધવાર, 30 સપ્ટેમ્બરના રોજ ફ્લાયદુબઈ ફ્લાઇટના કોકપીટમાં કથિત હાઇજેકિંગના પ્રયાસને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અહેવાલો અનુસાર, ફ્લાઇટ FZ 1073ના કોકપીટમાં અરાજકતા ફેલાઈ ગઈ જ્યારે એક ઓમાની પાઈલટે કથિત રીતે વિમાનને હાઇજેક કરવાનો અને તેને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મુકાબલા દરમિયાન બે પાઇલટ વચ્ચે ઝપાઝપી થઈ અને કેપ્ટન મછાર પર છરીથી હુમલો કરવામાં આવ્યો. તે ગંભીર રીતે ઘાયલ થયા. આમ છતાં તેમણે કોકપીટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી જેનાથી મુસાફરો અંદર પ્રવેશી શક્યા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
વિમાન તેલ અવીવમાં ઉતર્યા પછી મુસાફરોએ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ઘટના વિશે જાણ કરી હતી. મુસાફરોના જણાવ્યા મુજબ, ઘાયલ કેપ્ટન મછારે કોકપીટનો દરવાજો ખોલ્યો. ત્યારબાદ મુસાફરો અંદર પ્રવેશ્યા અને બીજા પાઇલટને દબાવી દીધો હતો. બે અન્ય પાઇલટ્સ, જે મુસાફરો તરીકે પણ હતા તેમણે વિમાનનો નિયંત્રણ લીધો તેને સાઉદી અરેબિયા તરફ વાળ્યું અને કટોકટી ઉતરાણ કર્યું. અહેવાલો અનુસાર, કેપ્ટન મછારે આ ઘટનામાં થયેલી ઇજાઓ માટે સર્જરી કરાવી હતી.
સ્મિત 2022થી ફ્લાયદુબઈમાં કેપ્ટન છે.
કેપ્ટન સ્મિત મછાર જૂન 2022થી ફ્લાયદુબઈમાં કેપ્ટન તરીકે કાર્યરત છે. આ પહેલા તેમણે સ્પાઇસજેટ માટે લગભગ 11 વર્ષ કામ કર્યું હતું, સિનિયર કમાન્ડરનું પદ સંભાળ્યું હતું. સ્મિત લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આ ભૂમિકામાં તેમને પાઇલટ્સની તાલીમ, માર્ગદર્શન અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવાનો અનુભવ છે.
વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ મેળવ્યું
ગુજરાતી પાઈલટ સ્મિત મછાર વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) ની ડિગ્રી ધરાવે છે. ઉડ્ડયન ક્ષેત્રમાં તેમના વ્યાપક અનુભવ દરમિયાન, તેમણે પાઈલટ તાલીમ અને માર્ગદર્શન સંબંધિત જવાબદારીઓ પણ નિભાવી છે.
