માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

વડોદરા શહેરની 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખીને પ્રચંડ જીત નોંધાવી છે. તમામ 17 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતીષ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી સામે 27,516 મતોની લીડ મેળવીને જીત નિશ્ચિત કરી લીધી છે, જેની માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. બીજી તરફ, પરિણામો સ્પષ્ટ થતાં જ કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર સ્વીકારી લીધી છે.
પરિણામો સ્પષ્ટ થતાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ જનાદેશનો સ્વીકાર કર્યો હતો પરંતુ સાથે સાથે ભાજપ અને સરકારી તંત્ર સામે ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, “ચૂંટણી પ્રચાર દરમિયાન મને જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો, જેનાથી ડરી જઈને ભાજપે આખું સરકારી પ્રશાસન કામે લગાડી દીધું હતું. મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના ધારાસભ્યોએ અહીં ધામા નાખ્યા હતા.”
તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે, ભાજપે જીતવા માટે નાણાં અને દારૂની રેલમછેલ કરી હતી. ઉપરાંત, કોંગ્રેસના કાર્યકરો પર હુમલા કરાવ્યા હતા અને મતદારોને ધમકીઓ આપતાં અનેક લોકો મતદાન કરવા નીકળી શક્યા નહોતા. ચૂંટણીના પરિણામો ગમે તે આવ્યા હોય પરંતુ તેઓ જનતાના આદેશને શિરોમાન્ય ગણીને ભવિષ્યમાં પણ મતદારો અને પ્રજાની સેવામાં સતત કાર્યરત રહેશે.માંજલપુર બેઠક માટે મતદાન 30 જુલાઈના રોજ થયું હતું. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. 260 મતદાન મથકો પર યોજાયેલી આ પેટાચૂંટણીમાં કુલ 37.5 ટકા મતદાન નોંધાયું હતું.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા
આ ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ભાજપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કાઉન્સિલર સતીષ ગોવિંદભાઈ પટેલ પર વિશ્વાસ મૂક્યો છે, જ્યારે કોંગ્રેસ ભૂતપૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ભીખાભાઈ રબારી સામે ચૂંટણી લડી હતી.