ઉત્તરાયણ પહેલા બિહારના રાજકારણમાં થશે ખેલા! નીતિશ કુમારને લાલુ યાદવની ખુલ્લી ઓફર

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે નવા વર્ષના પ્રસંગે નીતિશ કુમારને લઇને મોટું નિવેદન આપ્યું છે. લાલુ યાદવે પુત્ર તેજસ્વી યાદવના નિવેદનને પલટતા કહ્યું કે જો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક વખત ફરી તેમની સાથે ગઠબંધનમાં આવે છે તો તેમના માટે દરવાજા ખુલ્લા છે. લાલુ યાદવનું આ નિવેદન એટલા માટે ચર્ચામાં છે કારણ કે અવાર નવાર મકરસંક્રાંતિ આસપાસ બિહારના રાજકારણમાં કંઇક ખેલા થતો રહ્યો છે.
નવા વર્ષના પ્રસંગે બિહારની એક યૂ ટ્યુબ ચેનલ સાથે વાતચીતમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું, ‘જો નીતિશ કુમાર આવે છે તો કેમ નહીં તેમને સાથે લઇશું. સાથે રહીને કામ કરે.’ જ્યારે લાલુને પૂછવામાં આવ્યું કે નીતિશ કુમાર આવશે તો RJD તેમની સાથે ગઠબંધન કરી લેશે? લાલુએ કહ્યું, ‘હાં અમે તેમને સાથે રાખી લઇશું. તમામ ભૂલ માફ કરી દઇશું, માફ કરવું અમારી ફરજ છે.’
જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે પાર્ટીમાં કોઈ પણ નેતા ગમે તે કહે, પરંતુ પાર્ટીના સુપ્રીમો હોવાના કારણે તમે જ અંતિમ નિર્ણય લો છો? લાલુ યાદવે કહ્યું કે, ‘અમે નિર્ણય લઈએ છીએ, પરંતુ તે નીતીશ કુમારને અનુકૂળ નથી.તે વારંવાર જતા રહે છે. જો તે ફરી આવશે તો રાખી લઇશું.’
આ પહેલા લાલુ પ્રસાદ યાદવે બિહાર અને દેશના લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ દરમિયાન તેમને કહ્યું કે આ નવું વર્ષ પણ અમે મનાવીએ છીએ પરંતુ અસલી હોલીના પ્રસંગે મનાવીએ છીએ.લાલુ યાદવે નવા વર્ષના પ્રસંગે પુત્ર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનવાની શુભેચ્છા પાઠવી હતી અને આશીર્વાદ આપ્યા હતા.