વારસાઈ સંબંધિત જમીન હોય તો સ્ટેમ્પ ડ્યૂટીમાં મોટી રાહત, ગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય

ગુજરાતમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે.
ઘણીવાર જંત્રીના દર ઊંચા હોવાને કારણે ખેડૂતો અને પરિવારો મિલકતની વહેંચણી કે હકક જતો કરવાના દસ્તાવેજો કરાવવાનું ટાળતા હોય છે. આને કારણે લાંબા ગાળે કૌટુંબિક વિવાદો અને કોર્ટ કેસો વધતા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કિસાન સંઘ અને વિવિધ સંગઠનોની રજૂઆતોને ધ્યાને રાખીને આ આર્થિક ભાર ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા 300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર વારસાઈની નોંધ/નોંધો હેઠળના સંયુકત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસો (મૃત્યું થનાર મુળ ખાતેદારના સીધી લીટીના કેસમાં એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના વારસો) દ્વારા અન્ય એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હકક ઉઠાવવા/કમીના લેખ પર રૂ.૩૦૦/- સ્ટેમ્પ ડયુટી લેવાશે.
જંત્રી આધારિત મોટી રકમની જગ્યાએ હવે દરેક તબક્કાના લેખ પર માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે. સંયુક્ત ખાતેદારો પૈકી કોઈ વારસદાર અન્ય વારસદારની તરફેણમાં હક્ક જતો કરે (સીધી લીટીમાં અથવા સીધી લીટીના વારસ હયાત ન હોય તો આડી લીટીના કેસમાં), ત્યારે આ રાહત મળશે. સીધી લીટીના વારસદારોના નામ હયાતીમાં દાખલ કરવાના કિસ્સામાં પણ આ નજીવી ડ્યુટી લાગુ થશે. વારસાઈ નોંધ મુજબ દાખલ થયેલા સંયુક્ત ખાતેદારો વચ્ચે થતી જમીનની વહેંચણીના લેખ પર પણ ₹300ની સ્ટેમ્પ ડ્યુટી રહેશે.
જો સીધી લીટીના વારસો હયાત હોય તો તે પૈકીના એક યા વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં, સીધીલીટીના એક પણ વારસ હયાત ન હોય તો આડીલીટીના હયાત પૈકીના એક યા વધુ વારસોના નામ દાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતીમાં હકક દાખલના લેખ પર રૂ.300/- સ્ટેમ્પ ડયુટી વસૂલ કરવામાં આવશે. સમયના ક્રમાનુસાર એક યા વધુ તબક્કે વારસાઈ નોંધ/નોંધો અન્વયે દાખલ થયેલ સંયુકત ખાતેદારો દ્વારા એક અથવા વધુ તબક્કે વહેંચણી કરવામાં આવે (આવી વારસાઈથી સીધીલીટી અથવા તેની હયાતી ન હોય ત્યારે આડીલીટીના વારસો દાખલ થયેલ હોઈ શકે) પ્રત્યેક વહેંચણીના લેખ પર રૂ.૩૦૦/- સ્ટેમ્પ ડયુટી લેવાશે.
આ ઉપરાંત ખેતીની જમીનો માટે જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં જે કિસ્સામાં સીધીલીટીના એક પણ વારસ હયાત ન હોય તો જ આડીલીટીના પ્રકારના એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવો, હયાતીમાં નામ/હક્ક દાખલ કરવા તથા વહેંચણી અંગે, ઉક્ત દર્શાવેલ પ્રત્યેક તબદીલી લેખ રૂ.૩૦૦/- સ્ટેમ્પ ડયુટી વસુલી વિનિયમિત કરવાની રહેશે. આ પ્રજાલક્ષી નિર્ણયના પરિણામે પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો થશે, કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થશે અને હાલમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાથી જે ઘણા વ્યવહારો બિનદસ્તાવેજી રહે છે. તેમાં આ સુધારા પછી લોકો સરળતાથી નોંધણી કરાવશે.
હજારો-લાખો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે માત્ર ₹300માં કામ થવાથી ખેડૂતોની આર્થિક બચત થશે. પરિવારમાં પ્રોપર્ટી વહેંચણી સરળ બનતા આંતરિક ઝઘડાઓ અને વર્ષો સુધી ચાલતા કોર્ટ કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવશે. ઓછા ખર્ચને કારણે લોકો હવે કાયદેસર દસ્તાવેજીકરણ કરાવશે, જેનાથી ‘રેકોર્ડ ઓફ રાઈટ્સ’ (હક્ક પત્રક) વધુ સ્પષ્ટ અને પારદર્શક બનશે. જમીન માલિકીના હક્કો સ્પષ્ટ થવાથી ખેતી વિષયક ધિરાણ અને અન્ય વ્યવહારો ઝડપી અને સરળ બનશે.