અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર, DIG નિર્લિપ્ત રાયને સોંપાઈ તપાસ

અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ DIG નિર્લિપ્ત રાયને સોંપવામા આવી છે. મહત્ત્વનું છે કે, હજુ ગઈકાલે જ અમરેલી SP સંજય ખરાત દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં નિષ્કાળજી બદલ જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરતા કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા, મહિલા પોલીસકર્મી હીનાબેન મેવાડાને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે હવે આ સમગ્ર મામલાની તપાસ SMCના વડા DIG નિર્લિપ્ત રાયને આ સમગ્ર લેટરકાંડ મામલાની તપાસ સોંપવામાં આવી છે.
ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.
અમરેલી લેટરકાંડ પરશોત્તમ રૂપાલાએ પહેલીવાર આપ્યું નિવેદન
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજર રહેલા લોકસભા સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતીના સરઘસ અંગે પહેલીવાર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પોલીસે આ મામલામાં ઉતાવળ કરી છે, પાટીદાર યુવતી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. વિપક્ષ દ્વારા આ આખા પ્રકરણને એક તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ યોગ્ય નથી. મૂળ વિષય નનામી પત્રિકાનો હતો. આ પત્રિકાની તપાસના વિષયને કોંગ્રેસે મુખ્ય બનાવી દીધો. અમરેલી SPએ આ મામલે તપાસ સમિતિ બનાવી છે અને યોગ્ય તપાસ થશે. અમરેલી ભાજપમાં જૂથવાદ અંગે પૂછતાં તેમણે કહ્યું કે મારું કોઈ જૂથ નથી.