હડકવાનો દર્દી પાણીથી કેમ ડરે છે? કૂતરાની જેમ ચાલતો અને ભસતો યુવક 24 કલાકમાં સ્વસ્થ થયો! તબીબો પણ સ્તબ્ધ

બનાસકાંઠાના એક નાનકડા ગામથી બે દિવસ પહેલા ચોંકાવનારી ખબર આવી હતી. હડકવાના લક્ષણો ધરાવતો યુવક કૂતરા જેવો ચાલવા અને ભસવા લાગ્યો હતો. પરંતું તબીબો પાસે લઈ ગયાના 24 કલાકમાં જ તે સ્વસ્થ થઈ ગયો હતો. હડકવાનાં લક્ષણોવાળો નળાસરનો યુવક 24 કલાકમાં સાજો થતાં ડોક્ટરો પણ ચકરાવે ચડ્યા છે.
મૂળ વિજયનગર તાલુકાના રહેવાસી અને હાલ પાલનપુર તાલુકાના નળાસર ગામે ભાગીયા તરીકે ખેત મજૂરી કરતા દેવાભાઈ હરિભાઈ ડુંગરી નામના યુવકને ત્રણ માસ અગાઉ એક કૂતરું કરડ્યું હતું. આ બાદ અચાનક તેનામાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. તેને કારણે નળાસર ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. કારણ કે, અચાનક તે કૂતરાની જેમ ભસવા લાગ્યો હતો, તેમજ કૂતરાની જેમ ચાલવા પણ લાગ્યો હતો. પ્રાણીઓ જેમ ચાર પગે ચાલે તેમ તે હાથ-પગની મદદથી જમીન પર ચાલવા લાગ્યો હતો. સ્થિતિ એટલી વણસી હતી કે, ગામ લોકોને તેને કાબૂમાં કરવા માટે પોલીસની મદદ લેવી પડી હતી. તેને દોરડાથી ઝાડ સાથે બાંધવામાં આવ્યો હતો, તેમજ એક રૂમમાં પૂરી રાખવામાં આવ્યા હતો.
ત્યાર બાદ તેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. સિવિલ હોસ્પિટલમાં પણ તેને પહેલા દોરડાથી પલંગ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, હડકવાના લક્ષણો ધરાવતો યુવક 24 કલાકની સારવાર બાદ સ્વસ્થ થઈ ગયો હતો. જોકે, તબીબો માટે આ સારવાર અવઢવ જેવી બની રહી હતી. આખરે યુવક કેવી રીતે ચોવીસ કલાકમાં સ્વસ્થ થઈ ગયો હતો. કારણ કે, હડકવાના કેસમાં આટલી જલ્દી સારવાર શક્ય પણ નથી.
આ વિશે મેડિકલ સુપ્રીટેન્ડન્ટ સુનિલ જોશીએ કહ્યું કે, લાળ સહિતના અન્ય રિપોર્ટ કરવા પડે તેવી સ્થિતિ છે. હડકવાવાળું દર્દી પાણીથી ડરવું જોઈએ, પરંતુ આ યુવક સ્વસ્થ થયા બાદ પાણીથી ડરતો પણ નથી. હાલ યુવક સ્વસ્થ છે. તેને દોરડાથી મુક્ત કરાયો છે. સ્વસ્થ થતા તે એક બોટલ પાણી પી ગયો છે. સામાન્ય કેસમાં હડકવાના દર્દી પાણીથી દૂર ભાગતા હોય છે, પરંતું તે પાણી પી જતા અમને આશ્ચર્ય લાગ્યું છે. દર્દીની ચામડીની બાયોપ્સી, લાળની તપાસ, લોહી અને કરોડરજ્જુના પ્રવાહીનો ટેસ્ટ કરાયો છે. જેના રિપોર્ટ બાદ તેના માનસિક સહિતની સ્થિતિની તપાસ કરીશું.
હડકવાના કિસ્સામાં જોવાયું છે કે, પીડિતનો અવાજ જ બદલાતો નથી પરંતુ તેને પાણીનો પણ ડર લાગવા લાગે છે. કૂતરો કરડ્યા બાદ પીડિત હડકવાનો શિકાર બને છે. જેના કારણે પીડિત વ્યક્તિની નર્વસ સિસ્ટમ પર અસર થાય છે અને મગજમાં થતા ફેરફારોને કારણે તેને પાણીનો ડર લાગવા લાગે છે. કૂતરું કરડ્યા બાદ હડકવાથી અસરગ્રસ્ત વ્યક્તિની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ધીમે ધીમે પ્રભાવિત થવા લાગે છે અને ધીમે ધીમે તે લકવોનો શિકાર બને છે. સમસ્યા પાણીના ડરથી નથી થતી. જ્યારે તેમને હડકવા થાય છે, ત્યારે તેઓ ફેરીન્જિયલ પેરાલિસિસથી પીડાય છે જેનો અર્થ છે કે તેઓ ગળી શકતા નથી અને તેથી પ્રવાહી પીવાનો પ્રયાસ કરવાનું છોડી દે છે. તે લાળનું કારણ પણ બને છે કારણ કે તેઓ ઉત્પન્ન થતી લાળને ગળી શકતા નથી.