સાબરકાંઠામાં વધુ એક ગમખ્વાર અકસ્માત: અંબાજીથી પરત ફરતા 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, અકસ્માતો રોકવા નવી ટ્રાફિક વ્યવસ્થા

હાલ ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકામાં મુડેટી પાટીયાથી માલાસા વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને વતન દાહોદ અને લુણાવાડા પરત ફરી રહેલા પદયાત્રીઓ છકડામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણી ખાનગી કારના ચાલકે વાહનને બેફામ હંકારી છકડાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર વાગતા જ છકડો ફંગોળાઈને બાજુના ખાડામાં પલટી ખાઈ ગયો હતો. ઘટના બાદ કાર ચાલક ઊભા રહેવાને બદલે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં છકડામાં સવાર 8 જેટલા પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ 8 ઈજાગ્રસ્તોમાંથી 3 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પદયાત્રીઓની સુરક્ષા સામે ઊભા થયા ગંભીર સવાલ
ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે. રસ્તાઓ પર ભક્તોનું ઘોડાપુર ઉભરાઈ રહ્યું છે, ત્યારે રોડ પર બેફામ વાહનચાલનના કારણે અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે, જે અંબાજી જતા અને ત્યાંથી પરત ફરતા લાખો પદયાત્રીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. અગાઉ પણ હિંમતનગર-ઇડર રોડ પર એક જ વાહને 12 જેટલા પદયાત્રીઓને કચડી નાખ્યા હોવાની ગોઝારી ઘટના બની ચૂકી છે. સાબરકાંઠામાં બનેલી આ વધુ એક અકસ્માતની ઘટનાએ વહીવટીતંત્ર અને વાહનચાલકોની બેદરકારીની પોલ ખોલી છે.હિંમતનગર-ઇડર રોડ પર એક જ વાહને 12 જેટલા પદયાત્રીઓને કચડી નાખવાની ગંભીર ઘટના બાદ બનાસકાંઠા પોલીસ પૂરી રીતે સતર્ક બની છે. મેળા દરમિયાન આવી કોઈ દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે પદયાત્રીઓ માત્ર ડાબી બાજુ જ ચાલશે, જ્યારે પાસ-પરમિટ વાળા અને સરકારી વાહનોએ જમણી બાજુ ચાલવાનું રહેશે.
જો કાયદા વિરુદ્ધ જઈને કોઈ પણ વાહન ડાબી બાજુ ચાલશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મેળામાં આવતા લાખો પદયાત્રીઓની સુરક્ષા માટે અસામાજિક તત્વો પર પોલીસનું ‘ત્રીજું નેત્ર’ એટલે સીસીટીવી નેટવર્ક સતત કામ કરી રહ્યું છે.