દિલ્હી વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત, 2 વાગ્યે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે (સાતમી જાન્યુઆરી) જાહેર થવાની છે. ચૂંટણી પંચ બપોરે 2 વાગ્યે પત્રકાર પરિષદમાં તારીખોની જાહેરાત કરશે. નોંધનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા બેઠક માટે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી એક તબક્કામાં થઈ શકે છે. આ વખતે પણ આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે.

આ પહેલા સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે.  જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. જ્યારે થર્ડ જેન્ડરની સંખ્યા 1,261 છે.

દિલ્હીમાં કેટલા મતદારો વધ્યા?

દિલ્હીમાં વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં મતદારોની સંખ્યામાં 7.26 લાખ અને 2024ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 3.10 લાખનો વધારો થયો છે. 2020ની ચૂંટણી સમયે દિલ્હીમાં 1.47 કરોડ મતદારો હતા, જ્યારે ગયા વર્ષની લોકસભા ચૂંટણી સમયે દિલ્હીમાં મતદારોની સંખ્યા 1.52 કરોડથી વધુ હતી.

દિલ્હીમાં AAPની સરકાર

દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 70માંથી 60થી વધુ બેઠક જીતીને સરકાર બનાવી રહી છે. 2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 બેઠક જીતી હતી. દિલ્હીના ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે કોઇ પાર્ટીએ આટલી બેઠક જીતી હતી.બીજી તરફ 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠક પર જીત મળી હતી. ભાજપે 8 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસ બે ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *