અમિત શાહની અમદાવાદીઓને ભેટ, નવા વાડજ સર્કલ ખાતે કર્યું ભવ્ય ભારત માતા સ્કલ્પચરનું અનાવરણ

અમદાવાદ શહેરના નવા વાડજ સર્કલ ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવનું પ્રતિક બનેલું ભવ્ય ‘ભારત માતા’ સ્કલ્પચર હવે શહેરની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. વાસ્તવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત ₹50 લાખના ખર્ચે તૈયાર કરાયેલ આ વિશાળ પ્રતિમાનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.

નવા વાડજ સર્કલ પાસે સ્થાપિત આ સ્કલ્પચર બ્રોન્ઝ મટીરિયલથી તૈયાર કરવામાં આવ્યું છે. આશરે 15 થી 18 ફૂટ ઊંચાઈ ધરાવતું આ ભવ્ય સ્કલ્પચર શહેરનું સૌથી મોટું ‘ભારત માતા’ પ્રતિમા ગણાઈ રહ્યું છે. સ્કલ્પચરનું કુલ વજન અંદાજે 3500 થી 5000 કિલોગ્રામ હોવાનું જણાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર કૃતિને તૈયાર કરવામાં લગભગ છ મહિનાનો સમય લાગ્યો હતો.

લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારત માતાના સ્કલ્પચરને નમન કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા “ભારત માતા કી જય”ના નારા ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *