કુદરત સામે અમેરિકા લાચાર, લોસ એન્જલસમાં આગમાં 60 ટકા જંગલ વિસ્તાર બળીને થયો ખાખ

અમેરિકામાં લાગેલી આગ જેણે જંગલો ઉપરાંત હોલિવૂડને પણ શકંજામાં લઈ લીધું છે તેણે જગતજમાદારની ચિંતા વધારી દીધી છે. અબજો ડોલરનુ નુકસાન, હજારો એકર જંગલોનો નાશ, પ્રાણીઓના મોત, લોકોની સંપત્તીનું નુકસાન અને સંશાધનોને નુકસાનના કારણે અમેરિકાની ચિંતામાં વધારે થયો છે. અમેરિકાના સૌથી વધુ વસતી ધરાવતા રાજય કેલિફોર્નિયાના લોસ એન્જેલસમાં જંગલો ભડકે બળી રહ્યા છે. લોસ એન્જેલસના અલગ અલગ વિસ્તારોમાં દોઢ લાખથી વધારે લોકો વિસ્થાપિત થઈ ગયા છે. 12 હજારથી વધારે મકાનો ખાખ થઈ ગયા છે. આ સિવાય હજારોની સંખ્યામાં ઈમારતો અને સંપત્તીને નુકસાન થયું છે. આ સ્થિતિ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. 

ફાયર બ્રિગેડના અધિકારીઓનું માનવું છે કે, સામાન્ય રીતે કેલિફોર્નિયામાં જૂન-જુલાઈમાં સુકા વાતાવરણમાં જંગલોમાં આગ ફાટી નીકળવાની ઘટના બનતી હોય છે. ક્યારેક ઑક્ટોબર સુધી આવી સ્થિતિ ખેંચાયેલી જોવા મળે છે પણ આ વખતે જાન્યુઆરીમાં આગ લાગવાની ઘટના બની છે જે ખરેખર ચિંતાજનક છે. હવામાન અને વાતાવરણમાં થઈ રહેલા અગમ્ય ફેરફારો જંગલો અને સજીવ સૃષ્ટી માટે જોખમી બની રહ્યા છે.

કેલિફોર્નિયામાં સુકા દુકાળ જેવી સ્થિતિ

જાણકારોના મતે કેલિફોર્નિયામાં ઘણા સમયથી સુકા દુકાળ જેવી સ્થિતિ ચાલી રહી છે. અહીંયા મહિનાઓથી વરસાદ પડયો નથી. ગત વર્ષે અમેરિકાના આ જ રાજ્યમાં દુકાળની સ્થિતિ હતી પણ તે ઓછા પ્રમાણમાં હતી. ગત વર્ષે કેલિફાર્નિયાનો માત્ર ચાર ટકા ભાગ સુકો બન્યો હતો. આ વર્ષે કેલિફોર્નિયાના 60 ટકા વિસ્તારો સુકા થઈ ગયા છે. અહીંયા વરસાદ નથી, પાણીના સ્ત્રોત ઘટી રહ્યા છે. તેના કારણે વાતાવરણ અત્યંત શુષ્ક અને ગરમ થઈ રહ્યું છે. 

જાણકારો દ્રઢપણે માને છે કે, અમેરિકા દ્વારા કરવામાં આવેલો અંધાધૂંધ વિકાસ હવે તેને નડી રહ્યો છે. અમેરિકાના કલાઈમેટમાં થઈ રહેલા નાટકિય ફેરફારો તેને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે. બરફના તોફાનો, વાવાઝોડા અને હવે સુકા વાતાવરણના કારણે દાવાનળ ફાટવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વાતાવરણમાં થઈ રહેલા આકસ્મિક પલટાઓને કારણે હવાની ગતી અને શુષ્કતા વધી ગયા છે. તે જંગલો માટે જોખમી બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *