149મી જગન્નાથ રથયાત્રાને લઈને AMC એક્શન મોડમાં: જોર્ડન રોડ પર જર્જરિત ઇમારતો તોડી પાડવાની કામગીરી શરૂ!

અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આગામી 16મી જુલાઈએ નીકળનારી 149મી રથયાત્રાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના શાંતિપૂર્ણ અને સુરક્ષિત આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રથયાત્રાના રૂટ પર સુરક્ષા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત જોર્ડન રોડ વિસ્તારમાં આવેલા જોખમી અને જર્જરિત ઈમારતો તેમજ બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે.

રથયાત્રાના દિવસે રૂટ પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, દેશ-વિદેશના મહાનુભાવો તેમજ હજારોની સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોની અવરજવર રહેતી હોય છે. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને, યાત્રા દરમિયાન કોઈ માળખું તૂટી પડવાની કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે AMC દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે આ પગલાં લેવાઈ રહ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના સમગ્ર માર્ગ પર સર્વે કરીને નબળા અને જર્જરિત બાંધકામોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જોર્ડન રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી આ તોડફોડ અને સમારકામની કામગીરીથી રથયાત્રાનો માર્ગ વધુ મોકળો અને સુરક્ષિત બનશે, જેથી કટોકટીના સમયે ભીડનું નિયંત્રણ સરળતાથી થઈ શકે.

જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ

બીજી તરફ, જમાલપુર સ્થિત નીજ મંદિરમાં પણ ભગવાનની 149મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાપ્રભુજીના રથોનું સમારકામ, રંગરોગાન અને પૂજા-અર્ચનાની પરંપરાગત વિધિઓ શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ રથયાત્રાના સંપૂર્ણ માર્ગ પર સઘન નિરીક્ષણ ચાલુ રાખવામાં આવશે. જે પણ વિસ્તારોમાં રસ્તા નડતરરૂપ દબાણો, લટકતા જોખમી વાયરો કે જર્જરિત ગેલેરીઓ જણાશે, તેને તુરંત જ દૂર કરીને સમગ્ર રૂટને જનસુરક્ષા માટે સજ્જ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *