‘પત્નીનું વિદેશમાં અફેર હોવાનો આક્ષેપ’: ડેન્ટિસ્ટ પતિ 5 વર્ષના પુત્રને કેનેડાની કોર્ટ અને માતાની મંજૂરી વિના ભારતમાં લાવ્યો, હાઈકોર્ટનો બાળકનો કબજો માતાને સોંપવાનો આદેશ

Representative Image (AI Generated)

અમદાવાદની એક મહિલાએ પોતાના 5 વર્ષના પુત્રની કસ્ટડી મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. કોર્ટે અરજી સ્વીકારી અને બાળકની કસ્ટડી માતાને સોંપવાનો હુકમ કર્યો. ઉપરાંત, બાળક કેનેડાનો નાગરિક હોવાથી તેનો પાસપોર્ટ અને OCI કાર્ડ પણ માતાને આપવાનો આદેશ આપ્યો. જો કે, પિતા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની માંગણીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે પોતાના આદેશ પર બે અઠવાડિયાનો સ્ટે આપ્યો છે.

કેસ મુજબ, કેનેડામાં જન્મેલા 5 વર્ષના બાળકની કસ્ટડી માટે માતાએ અરજી કરી હતી. બાળક હાલ પિતાની કસ્ટડીમાં હતો અને તેની પાસે જ પાસપોર્ટ તથા OCI કાર્ડ હતા. અગાઉ કેનેડાની ઓન્ટોરિયો કોર્ટ બાળકની કસ્ટડી માતાને સોંપી ચૂકી હતી, છતાં પિતા બાળકને લઈને ભારત આવી ગયા હતા.

પતિ-પત્નીનો લગ્ન 2018માં કેનેડામાં થયો હતો અને 2020માં બાળકનો જન્મ થયો હતો. જન્મથી જ બાળક કેનેડાનો નાગરિક છે અને 2021માં તેને OCI કાર્ડ મળ્યું હતું. લગ્નજીવનમાં મતભેદો ઊભા થતાં બંને વચ્ચે તણાવ વધ્યો. પતિએ આરોપ મૂક્યો હતો કે પત્ની લગ્નબાહ્ય સંબંધમાં છે અને બીજા પુરુષ સાથે રહે છે, જે બાળકના ભવિષ્ય માટે જોખમી છે.

પતિએ પત્નીને મોકલેલા ઈમેલમાં ઝઘડાના મુદ્દાઓ સાથે તેના પાછળ કરેલા ખર્ચ અને સમયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે પત્નીને ભારત આવીને સાથે રહેવાની વાત કરી હતી, પરંતુ પત્ની ભારત આવવા તૈયાર નહોતી.

પત્ની તરફથી દલીલ કરવામાં આવી હતી કે પિતા કેનેડાની કોર્ટ અથવા તેની મંજૂરી વિના બાળકને ભારત લઈ આવ્યા છે. કેનેડાની કોર્ટએ પણ પિતાને બાળકને પરત કેનેડા લાવવાનો આદેશ આપ્યો હતો અને બાળકને ચોક્કસ વિસ્તારની બહાર ન લઈ જવાની સૂચના આપી હતી.

પતિએ પોતાની તરફથી જણાવ્યું હતું કે તે ડેન્ટિસ્ટ છે અને કેનેડામાં પત્ની તેને ઘરમાં પ્રવેશ આપતી નથી. પત્નીએ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. બંને એક જ એપાર્ટમેન્ટમાં અલગ રહેતા હતા. પતિએ વધુમાં કહ્યું કે બાળક હિન્દુ પરિવારમાં ઉછરવાથી તેને સંસ્કાર અને પરંપરા શીખવા મળશે અને ભારતમાં સંયુક્ત પરિવારમાં તે સુરક્ષિત છે.

સમાધાન માટેના પ્રયત્નો નિષ્ફળ જતા કેસ હાઇકોર્ટ સુધી પહોંચ્યો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું કે લગ્ન કેનેડિયન કાયદા મુજબ થયા છે, તેથી તે કાયદા લાગુ પડે છે. કોર્ટે માન્યું કે કેનેડાની કોર્ટનો હુકમ બાંધકામરૂપ છે અને પિતા દ્વારા બાળકને ભારત લાવવું ગેરકાયદેસર છે.

કોર્ટએ વધુમાં કહ્યું કે બાળક લાંબા સમયથી કેનેડામાં રહ્યો છે અને તેની સ્કૂલિંગ પણ ત્યાં શરૂ થઈ છે, તેથી તેને અચાનક પરિચિત વાતાવરણથી દૂર રાખવું યોગ્ય નથી. બાળકના હિતમાં તે માતા સાથે રહેવું વધુ યોગ્ય ગણાયું.

અંતે, હાઇકોર્ટે બાળકની કસ્ટડી માતાને સોંપવાનો અને તેના દસ્તાવેજો પણ માતાને આપવાનો હુકમ કર્યો. સાથે જ પિતાને જણાવ્યું કે જો તે આગળ કોઈ કાર્યવાહી કરવા માંગતા હોય તો તે કેનેડાની કોર્ટનો સહારો લઈ શકે છે. જોકે, પિતાની માંગણી મુજબ હાઇકોર્ટે આ હુકમને બે અઠવાડિયા માટે સ્થગિત રાખ્યો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ગાંજો લવાયો! એ પણ હાઇડ્રોપોનિક, 3ની ધરપકડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *