ઈબોલાના કેસ વધતા અમદાવાદ સહિત ગુજરાતમાં એલર્ટ, સિવિલમાં તો જુઓ શું કર્યું?

વિશ્વના કેટલાક દેશોમાં ફરી એકવાર ઈબોલા વાયરસના કેસોમાં વધારો નોંધાતા ગુજરાત આરોગ્ય તંત્ર પણ સાવચેત બની ગયું છે. ખાસ કરીને કોંગો અને યુગાન્ડામાં ઈબોલાના સંક્રમણ બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વિશેષ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો અલગ આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં શંકાસ્પદ દર્દીઓને સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખી શકાય. હોસ્પિટલમાં જરૂરી મેડિકલ સાધનો તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, ઈબોલા વાયરસ ગંભીર અને ઝડપથી ફેલાતો ચેપી રોગ માનવામાં આવે છે. આ કારણે આરોગ્ય વિભાગે તાત્કાલિક પ્રતિસાદ માટે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને પણ એલર્ટ પર રાખ્યા છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મુસાફરો પર વધુ નજર રાખવામાં આવી રહી છે.
બીજી તરફ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા એરલાઇન્સ માટે નવી SOP જાહેર કરવામાં આવી છે. કોંગો અને યુગાન્ડા જેવા ઈબોલા પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરોને ભારતમાં આગમન પહેલાં મુસાફરી સંબંધિત માહિતી ફોર્મ ભરવાનું રહેશે. સાથે જ ફ્લાઇટ દરમિયાન જો કોઈ મુસાફરને તાવ, ઉલટી, નબળાઈ અથવા ઝાડા જેવા લક્ષણો જણાય તો તેમણે તરત જ ફ્લાઇટ ક્રૂ અને એરપોર્ટના આરોગ્ય અધિકારીઓને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.
DGCA એ તમામ એરલાઇન્સને જરૂરી સુરક્ષા સાધનોનો પૂરતો જથ્થો જાળવી રાખવા પણ જણાવ્યું છે. તેમાં માસ્ક, PPE કીટ, ગ્લોવ્સ અને સેનિટાઇઝર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ગુજરાત આરોગ્ય વિભાગ હાલ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી પૂર્ણ હોવાનું જણાવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, લોકો ગભરાય નહીં પરંતુ સાવચેતી રાખે અને આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરે.