Site icon Time News

અલાસ્કા એર ગ્રુપમાં 200 કર્મચારીઓની છટણી:આ વર્ષે 700 મિલિયન ડૉલરના નુકસાનની શક્યતા

અલાસ્કા એર ગ્રુપે ઘટતા નફા અને વધતા ખર્ચ વચ્ચે નોન-કોન્ટ્રાક્ટ સ્તરના લગભગ 200 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બેન મિનિકુચીએ જણાવ્યું કે જો આવી જ પરિસ્થિતિઓ ચાલુ રહેશે, તો એરલાઇનને આ વર્ષે 700 મિલિયન ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે.

CEO બેન મિનિકુચીએ કર્મચારીઓને મોકલેલા એક મેમોમાં જણાવ્યું કે જો વર્તમાન નાણાકીય સંકટ ચાલુ રહેશે, તો મહામારીના સમયગાળાને બાદ કરતાં વર્ષ 2003 પછી આ કંપનીનું પ્રથમ એડજસ્ટેડ પ્રી-ટેક્સ નુકસાન હશે.

એવિએશન સેક્ટરમાં ઇંધણના વધતા ભાવો અને વિશ્વભરના તણાવ વચ્ચેના પડકારો કંપનીના નાણાકીય બેલેન્સને સીધી અસર કરી રહ્યા છે.

કંપનીના પ્રવક્તા મુજબ, આ છટણીથી કુલ 32,500 કર્મચારીઓમાંથી 1%થી પણ ઓછા કર્મચારીઓ અસર થશે. દૂર કરવામાં આવનારા પદોમાં વોશિંગ્ટન રાજ્યના 125 અને હવાઈના 48 પદોનો સમાવેશ થાય છે. એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ફ્રન્ટલાઇન અથવા નોન-મેનેજમેન્ટ કર્મચારીની નોકરી જશે નહીં.

પ્રભાવિત કર્મચારીઓ માટે 13 નવેમ્બર છેલ્લો કાર્યકારી દિવસ રહેશે. જોકે, કંપની તેમને 31 ડિસેમ્બર સુધી નિયમિત પગાર આપતી રહેશે. આ ઉપરાંત, પ્રભાવિત સ્ટાફને સર્વરન્સ પે અને અન્ય નાણાકીય તેમજ કારકિર્દી સંબંધિત સહાય પણ આપવામાં આવશે.

એક્સપેન્શન પ્લાન વચ્ચે વધ્યું નાણાકીય દબાણ

અલાસ્કા એર ગ્રુપ હાલમાં પ્રીમિયમ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ સેગમેન્ટમાં વિસ્તરણ કરી રહ્યું છે. જોકે, મજબૂત રેવન્યુ ગ્રોથ છતાં ક્રૂડ અને એવિએશન ફ્યુઅલના ખર્ચમાં ભારે ઉછાળાને કારણે કંપનીની કમાણી પર દબાણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

એરલાઇન ઉદ્યોગમાં હવે ટિકિટોના ભાવ વધારવા અને ફ્લાઇટ શેડ્યૂલ ઘટાડ્યા બાદ નોકરીઓ પર પણ જોખમ તોળાવા લાગ્યું છે.

સીઈઓ મિનિકુચીએ જણાવ્યું કે અમારે ફરીથી એ જ નાણાકીય શિસ્ત તરફ પરત ફરવું પડશે, જે લાંબા સમયથી અમારી તાકાત રહી છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીના ઓવરહેડ ખર્ચ આવકની સરખામણીમાં ઘણી ઝડપથી વધ્યા છે.

Exit mobile version