પંજાબમાં ફરી ભેગા થયા અકાલી દળ અને ભાજપ, અમિત શાહનો હુંકાર- 2029 સુધીમાં પંજાબને સંપૂર્ણ રીતે નશામુક્ત કરીશું

પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ અને અકાલી દળ ભેગા થઈને લડશે. બંને પક્ષો વચ્ચે ફરીથી એકવાર ગઠબંધન થયું છે. શિરોમણી અકાલી દળના નેતાઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા જ્યાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી અમિત શાહે આ ગઠબંધન અંગે જાહેરાત કરી. શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ  બાદલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ આ અવસરે હાજર રહ્યા. અમિત શાહે મોટું નિવેદન આપતા કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર નશાની સમસ્યા ખતમ કરવામાં નિષ્ફળ રહી છે. પરંતુ ચૂંટણી બાદ ભાજપ અને અકાલી દળની ગઠબંધન સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવશે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે જ્યારે આખો દેશ ગુરુપર્વ મનાવી રહ્યો છે ત્યારે એનડીએના તમામ પક્ષો માટે આ ખુબ આનંદનો વિષય છે કે એનડીએના સૌથી જૂના સાથે અકાલી દળની ફરીથી એનડીએમાં વાપસી થઈ છે. અકાલી દળ આજથી એનડીના અધિકૃત સાથી તરીકે કામ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નેતૃત્વમાં આજે એક બેઠક થઈ. જેમાં અકાલી દળ અને ભાજપના મુખ્ય નેતાઓએ નિર્ણય લીધો કે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ અને અકાલી દળ મળીને લડશે.અમિત શાહે વધુમાં કહ્યું કે, કાલે જ્યારે પીએમ મોદી સાથે વાત થઈ કે એનડીએનો વિસ્તાર થઈ રહ્યો છે તો તેમણે ખુબ આનંદ સાથે સુખબીર સિંહ બાદલને ફોન કર્યો અને ભાજપ અધ્યક્ષને પણ ફોન કરીને ભાવના વ્યક્ત કરી કે હવે એનડીએ પૂર્ણ થઈ ગયું છે. બાદલજીની પાર્ટી સાથે જ એનડીએ પૂર્ણ થાય છે. પ્રધાનમંત્રી અને  બાદલજીનો અટલજી, અડવાણીજી અને બાદલજીનો વર્ષો જૂનો ગાઢ સંબંધ રહ્યો છે. ભાજપ અને અકાલી દળનો પણ ખુબ ગાઢ સંબંધ રહ્યો છે. પંજાબ અને સમગ્ર દેશમાં આ ગઠબંધન હિન્દુ-શિખ ભાઈચારાનું પ્રતિક બનશે.

આ સાથે તેમણે કહ્યું કે ભાજપ અને અકાલી દળ પંજાબમાં અનેક પ્રમુખ વિષયો પર ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. પરંતુ પંજાબમાં નશાની સમસ્યાને જડમૂળમાંથી નાબૂદ કરવી એ અમારો મુખ્ય લક્ષ્ય હશે. પંજાબમાં ભ્રષ્ટાચારની નાબૂદી અને રાષ્ટ્રવાદી શક્તિઓને સશક્ત કરવી એ પણ અમારો મુખ્ય લક્ષ્ય હશે. કેજરીવાલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પંજાબમાં કેજરીવાલ ત્રણ મહિનામાં નશાને સમાપ્ત કરવાના વાયદા સાથે આવ્યા હતા પરંતુ નશો સમાપ્ત થયો નહીં ઉલ્ટો વધ્યો. 2017માં રાહુલ ગાંધીએ તે કાર્યકાળમાં નશાને સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું પરંતુ તેમની પાર્ટીએ નશાને સમાપ્ત કરવા માટે કશું કર્યું નહીં. 

અમિત શાહે કહ્યું કે 31 ડિસેમ્બર 2029 સુધીમાં અમે પંજાબને સંપૂર્ણ રીતે નશામુક્ત કરીશું. આગામી ત્રણ મહિનામાં પંજાબના ખેડૂતોની સમસ્યા, પંજાબના આર્થિક વિકાસની ચિંતા અને પંજાબના યુવાઓના રોજગારની ચિંતા, તેના વિશે સુખબીર સિંહ બાદલ અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન વચ્ચે ત્રણ મહિનાની લાંબી ચર્ચા બાદ એક રોડમેપ બન્યો છે. તે રોડમેપ પર અમારા એનડીએની જે સરકાર બનશે તે આગળ વધશે. 

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કહ્યું કે, પંજાબ અને દેશના હિતમાં એક મોટો નિર્ણય થયો છે. પ્રકાશ પર્વના આ અવસરે સમગ્ર પંજાબમાં વિકાસનો, ન્યાયનો અને સુશાસનનો પ્રકાશ ફેલાશે. સુખબીરસિંહ બાદલ અને તેમની પાર્ટીના એનડીએમાં સામેલ થવું એ અમારી તાકાત વધારશે. પંજાબના યુવાઓને તેમના જ પ્રદેશમાં રોજગાર, મહિલાઓને સુરક્ષા અને એક વિકાસલક્ષી સરકાર બનાવવાનો અમે સંકલ્પ લઈશું. સાહસ અને શૌર્ય, સમૃદ્ધિ અને વીર સપૂતોના સન્માનના ગૌરવશાળી ઈતિહાસવાળા પંજાબને અમે વિક્સિત પંજાબ બનાવવાની દિશામાં આગળ વધારીશું. વિક્સિત ભારતના નિર્માણના સ્વપ્નમાં વિક્સિત પંજાબનું યોગદાન અમૂલ્ય રહેશે. 

આ ગઠબંધન વિશે બોલતા શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલે કહ્યું કે, આ પંજાબની જનતાની ભાવનાનું ગઠબંધન છે, દરેક વર્ગ ઈચ્છે છે કે ભાજપ અને અકાલી દળ એક સાથે થાય. આ ફક્ત એક રાજનીતિક ગઠબંધન નથી પરંતુ એક ભાવનાત્મક જોડાણ છે. જેમ કે અમારા દિવંગત પિતા કહેતા હતા કે અકાલી દળ અને ભાજપનો સંબંધ અતૂટ છે, જે ખુબ ગાઢ રીતે જોડાયેલો છે. આ ગઠબંધન પંજાબના હિતમાં, દેશના હિતમાં અને શીખ સમુદાયના હિતમાં છે. તમે જોયું હશે કે આ ગઠબંધન કેટલો લાંબા સમય સુધી ચાલ્યું અને આ દરમિયાન કેટલી સરકારો બની. પંજાબે પ્રગતિ કરી, પંજાબમાં શાંતિ રહી અને ભાઈચારો રહ્યો.

તેમણે કહ્યું કે, શિરોમણી અકાલી દળ કોઈ નવી પાર્ટી નથી. આ ભારતના ઈતિહાસની બીજી સૌથી જૂની પાર્ટી છે. દેશની આઝાદીમાં શિરોમણી અકાલી દળના નેતૃત્વ અને કાર્યકરોનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. આઝાદી બાદ પણ પછી ભલે ગરીબોનો મુદ્દો હોય, પંજાબનો મુદ્દો હોય, મજૂરોનો મુદ્દો હોય કે પછી દેશનો મુદ્દો…શિરોમણી અકાલી દળે હંમેશા સંઘર્ષ કર્યો છે.

શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચે થયેલા ગઠબંધન પર પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમારું ગઠબંધન પંજાબના એસસી સમાજ સાથે છે, પંજાબના ખેડૂતો સાથે છે, પંજાબના વેપારીઓ સાથે છે. આ લોકો સત્તા માટે ક્યારેક સાથે થાય છે  તો ક્યારેય અલગ થઈ જાય છે. અમે લોકો પંજાબના વિકાસ માટે કામ કરીએ છીએ. આખું પંજાબ જુએ છે કે તેમણે છેલ્લા 70-75 વર્ષમાં પંજાબને જે બરબાદ કર્યું છે તેને કઈ રીતે 5 વર્ષમાં ભગવંત માને મહેનત કરીને પંજાબને ફરીથી ઠીક કરવાની કોશિશ કરી છે. 

પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન આ કોઈ પહેલીવાર થયું નથી. આ અગાઉ 1996માં ગઠબંધન થયું હતું જે સપ્ટેમ્બર 2020માં કૃષિ કાયદાને કારણે થયેલા મતભેદોને લીધે તૂટ્યું હતું. પંજાબમાં 117 વિધાનસભા સીટો છે. બંને પક્ષો વચ્ચે સીટોની ફાળવણીનો જૂનો ફોર્મ્યૂલો શિરોમણી અકાલી દળ 94 અને ભાજપ 23 સીટો પર ચૂંટણી લડે એવો હતો. પરંતુ 2026માં સીટ શેરિંગ અંગે ચર્ચા હજુ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *