Ahmedabad: દુકાનના ઉદ્ધાટનના દિવસે જ ચોરી, 1.20 લાખનાં બે પટોળાં લઈ મહિલા ફરાર

અમદાવાદમાં મોંઘાદાટ પાટણનાં પટોળાંની ચોરી થયાની ઘટના સામે આવી છે. સોલામાં એક કપડાંની શોપના ઓપનિંગ સમયે મહેમાનોની ભીડ વચ્ચે ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા 15 મિનિટમાં 90 હજારનું પાટણનું અને 30 હજારનું રાજકોટનું પટોળું ચોરી ફરાર થઈ ગઈ હતી. આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થવા પામી છે. આ મામલે દુકાનમાલિકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
થલતેજ વિસ્તારમાં આવેલા સૂરધારા સર્કલ નજીક સ્વીકાર ટેનામેન્ટમાં રહેતાં ઉર્વીબેન પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ 1.20 લાખ રૂપિયાનાં પટોળાંની ચોરીની ફરિયાદ કરી છે. ઉર્વીબેન સંયુક્ત પરિવારમાં રહે છે અને સાયન્સસિટી રોડ પર આવેલા વ્રજ વેલેંટિયા બિલ્ડિંગમાં ધ્યાન ક્રિએશન લેડીઝ કપડાંની શોપ ધરાવીને ગુજરાન ચલાવે છે. ઉર્વીબેન પટેલ થોડા દિવસ પહેલાં ધ્યાન ક્રિએશનના નામે કપડાંની શોપ શરૂ કરી હતી, જેનું ઉદ્ધાટન રાખ્યુ હતું. ઉદ્ધાટન દરમિયાન સંખ્યાબંધ મહેમાનો તેમજ ગ્રાહકો આવ્યા હતા. ઉર્વીબેન મહેમાનોને એટેન્ટ કરવામાં વ્યસ્ત હતાં, ત્યારે કોઇ અજાણી મહિલાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

બાદમાં ઉર્વીબેનની નજર રેક પર મૂકેલાં પાટણના તેમજ રાજકોટના પટોળા ઉપર ગઇ હતી. બન્ને પટોળાં ગાયબ થતાં ઉર્વીબેન ટેન્શનમાં આવી ગયાં હતાં અને તરત જ તેમના પરિવારને જાણ કરી દીધી હતી. ઉર્વીબેન અને તેમના પતિ અલ્પેશભાઇએ તરતજ પોલીસને જાણ કરી દીધી હતી. સમગ્ર ઘટના મામલે ઉર્વીબેન પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ સાથે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક મહિલાની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી.
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, દુકાનના ઉદ્ધાટન સમયે મહિલા સફેદ કલરનું એક્ટિવા લઇને આવી હતી અને બાદમાં ખરીદી કરવાના બહાને શોપમાં એન્ટ્રી લીધી હતી. ગ્રાહકના સ્વાંગમાં ચહેરા પર દુપટ્ટો બાંધીને અંદાજિત 40થી 45 વર્ષની મહિલા દુકાનમાં આવી હતી અને પહેલા વિવિધ ડ્રેસો ચેક કર્યા હતા. બાદમાં બ્લેક ડ્રેસ કાઢ્યો હતો અને ખોલીને તે પોતાના શરીરની આગળ રાખીને ચેક કરતી હતી. આ સમયે તેણે એક હાથથી રેકમાં પડેલું 90 હજારનું પાટણનું પટોળું અને 30 હજાર રૂપિયાનું રાજકોટનું પટોળું ચોરી લીધું હતું. આમ મહિલા માત્ર 15 મિનિટમાં 1.20 લાખનાં બે પટોળાં બેગમાં મૂકી એક્ટિવા લઇને રવાના થઇ ગઇ હતી.
મહિલાની આ કારીગરી જોઇને પોલીસ પણ ખુદ ચોંકી ઊઠી છે. પોલીસે સીસીટીવી કેમેરા કબજે કરીને મહિલાને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે. મહિલા જે એક્ટિવા લઇને આવી હતી એ ચોરીનું હતું કે પછી પોતાનું હતું? એ મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો, Ahmedabad: યુવકને હેલ્મેટ ન પહેરવા બદલ 10 લાખનો ઈ-મેમો આપવાની ઘટના, ટ્રાફિક પોલીસે સ્પષ્ટતા કરી