Ahmedabad: ઈસનપુર પોલીસ સ્ટેશનની ‘SHSTRA’ ટીમની કામગીરી, ગંભીર ગુનાઓમાં 75 % ઘટાડો થયો

સામાન્ય રીતે શરીર સંબંધી ઇજાઓના ગુન્હાઓ સાંજના સમયે સાંજના છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા દરમિયાન બનતા હોય છે. જેથી ગુજરાત રાજ્યના પોલીસ વડા અને DGP વિકાસ સહાય દ્વારા ઇજાના ગુન્હા બનતા અટકે અને ઇજાના ગુનાઓમાં ઘટાડો થાય, તેવા હેતુથી શરીર અને મિલકત સબંધી ગુન્હાઓ માં પકડાયેલા આરોપીઓ, બૂટલેગરો, હિસ્ટ્રીશિટરો ચેક કરવા, નાકાબંધી કરવી તેમજ ગુન્હેગારો ઉપર કાર્યવાહી કરવા માટે ગુજરાત રાજ્યના ચારેય મોટા શહેરો કે જ્યાં પોલીસ કમિશનરેટ વિસ્તાર આવેલો છે, ત્યાં જે જે પોલીસ સ્ટેશનમાં ઇજાના ગુન્હાઓ વધારે બને છે, તેવા પોલીસ સ્ટેશનો પસંદ કરી, શસ્ત્ર (શરીર સંબંધી ત્રાસ રોકવા અભિયાન) સ્કીમ SHSTRA (Sharir shambandhi Tras Rokava Abhiyan) શરૂ કરવામાં આવેલ છે. આ શસ્ત્ર સ્કીમ અંતર્ગત શહેરના પસંદ કરવામાં આવેલ પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ, પીએસઆઈ, સ્ટાફના ચુનંદા માણસોની શસ્ત્ર ટીમ બનાવી, વાહન ચેકીંગ તથા નાકાબંધી કરવા, વધુમાં વધુ હથિયાર અને કેફી પીણું પી ને વાહન ચલાવતા ઇસમોને પકડવા તેમજ પ્રોહીબિશન અને જુગારના બૂટલેગરો ઉપર રેઇડો કરી, કેસો કરવા તથા હિસ્ટ્રીશિટરો અને જાણીતા ગુન્હેગારોને ચેક કરી, કાર્યવાહી કરી, શરીર સંબંધી ગુનાઓમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ દર્શાવવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં પણ શસ્ત્ર સ્કીમ અંતર્ગત પસંદ કરવામાં આવેલ તમામ પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જેસીપી સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ તથા ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા આ શસ્ત્ર સ્કીમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે.
અમદવાદ શહેરના ઝોન 06 વિસ્તારના ઈસનપુર પોલીસ સ્ટેશનને શસ્ત્ર સ્કીમ અંતર્ગત, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, પીએસઆઈ એન.આર.સોલંકી, સ્ટાફના હે.કો. ભરતભાઈ, રમેશભાઈ, પ્રદીપભાઈ સહિતની ટીમ દ્વારા શસ્ત્ર સ્કીમ અંતર્ગત દરરોજ સાંજના કલાક છ વાગ્યાથી રાત્રિના કલાક બાર વાગ્યા સુધી ટીમ સાથે દરરોજ કામગીરી કરી, શસ્ત્ર સ્કીમ અન્વયે અસરકારક કામગીરી શરૂ કરી, કાર્યવાહી કરવામાં આવતા, પરિણામ સ્વરૂપ શરીર સંબંધી ઇજા, રાયોટિંગ, ખૂન જેવા ગુનાઓમાં અગાઉના વર્ષની સરખામણીમાં 75 % જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

આ શસ્ત્ર સ્કીમ અન્વયે ઈસનપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરી, આશરે 20 થી 25 દિવસ જેટલા સમયગાળા દરમિયાન સઘન વાહન ચેકીંગ તથા નાકાબંધી કરી, હથિયાર સાથે ફરતા 10 ઈસમો, કેફી પીણું પી ને વાહન ચલાવતા 06 ઈસમો, હદપારી ભંગ બદલ 01 ઇસમ, પ્રોહિબિશન એક્ટ મુજબ દેશી દારૂ સાથે 15 તથા દારૂ પીધેલ 05 મળી કુલ 20 ઇસમો, જુગારના 02 કેસોમાં 08 ઇસમોને પકડી પાડી, તમામ મળી કુલ 45 આરોપીઓની ધરપકડ કરી, ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત 825 વાહનો ચેક કરી, 54 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે તથા એમસીઆર 232, હિસ્ટ્રીશીટર 136, પ્રોહી બૂટલેગર 89, જુગારની પ્રવૃતિ કરતાને 17 વખત ચેક કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો, Gandhinagar: વિધાનસભા ખાતે ચાર દિવસીય મેડિકલ ચેકઅપ કેમ્પ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શુભારંભ કરાવ્યો