Ahmedabad: SP રીંગ રોડ પર રોપડા બ્રિજનો બંને સાઈડનો રોડ બંધ કરાયો, બુલેટ ટ્રેનની કામગીરીના પગલે 10 દિવસ માટે રોડ બંધ

હાથીજણ વિસ્તારમાં લાલગેબી સર્કલ પાસે સરદાર પટેલ રિંગ રોડથી અસલાલી તરફ જતો રોપડા બ્રિજનો બંને સાઈડનો રસ્તો બંધ આવ્યો છે. બુલેટ ટ્રેનની કામગીરીના પગલે 7 માર્ચથી 16 માર્ચ સુધી આ રોડ બંધ કરવામાં આવ્યો છે. લાલગેબી સર્કલથી રેલવે બ્રિજ પહેલા ડાબા હાથે વિનોબાભાવેનગર થઈ ગેરતપુર રેલવે સ્ટેશન જવાનો રસ્તો પણ બંધ હોવાનું જાણવા મળ્યું છે. બંને તરફના રોડ આવતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી ભારે ટ્રાફિક જામ થાય છે.
સરદાર પટેલ રિંગ રોડ પર અસલાલી તરફ જવાના રોડ પાસે બુલેટ ટ્રેન પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે 10 દિવસ સુધી ચાલશે. રીંગ રોડનો રૂટ ફોર લેન હોવાથી એક સાઇડ ચાલુ રાખી કામગીરી શરૂ થાય તેમ છે અને હાથીજણ રીંગરોડ રસ્તો રેલવે પૂલ સુધી ચાલુ રાખી વિંઝોલથી વિનોબા ભાવેનગર ગેરતપુર તરફ નવો મુખ્ય રસ્તો છે, ત્યાંથી ડ્રાઇવરઝન આપી ચાલુ રખાય તેમ છે.

વૈકલ્પિક માર્ગ તરીકે અસલાલી સર્કલથી તરફથી આવતો ભારે વાહનનો ટ્રાફિક બારેજા થઇ બારેજડી ગામ થઈ હીરપુર ચોકડી થઈ હાથીજણ સર્કલ થઇ મુખ્ય માર્ગ એસ.પી.રીંગ રોડ તરફ જઇ શકાશે. તેમજ આ રૂટના નાના વાહનોને હાથીજણ સર્કલથી વિંઝોલ-વટવા રોડ થઇ એસ.પી. રીંગ રોડના મુખ્ય રોડ ઉપર જઇ શકાશે. ટુ-વ્હીલર, ફોર-વ્હીલર વાહનો ગામડી ચોકડીથી લાલગેબી સર્કલ નવા વટવા રોડ થઈ વટવા તળાવ, બચુભાઇના કુવા,મોઈન ફીટનેશ ક્લબ થઇ વિઝોલ રેલ્વે ક્રોસીંગ થઈ વિનોબાભાવે નગર થઈ આયોજન નગર રોડ થઈ મુખ્ય માર્ગ એસ.પી. રીંગ રોડ તરફ જઇ શકાશે.
ટ્રક તથા આઇસર જેવા વાહનો માટે અસલાલી સર્કલથી નારોલ ગામ ક્રોસ રોડ થઈ વટવા કેનાલ થઇ બીબી તળાવ ચાર રસ્તા, વટવા નારોલ ફ્લાય ઓવર થઇ વટવા જી.આઈ.ડી.સી. ક્રોસ રોડ થઇ રામોલ પોલીસ ચોકી ચાર રસ્તા થઇ હાથીજણ સર્કલ એસ.પી.રીંગ રોડ તરફ જઈ શકાશે. તેમજ આવતો ટ્રાફિક આ જ રૂટ ઉપર હાથીજણ સર્કલ થઈ અસલાલી સર્કલ તરફ આવી શકાશે.