અમદાવાદીઓ સાવધાન; હિટસ્ટ્રોકના કેસ કૂદકેને ભૂસકે વધ્યા, આંકડા જાણીને બહાર નીકળવાનું ભૂલી જશો!

સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ તાપમાનનો પારો ઊંચકાતા જનજીવન પ્રભાવિત થયું છે. ગરમીના વધતા જોરને કારણે રાજ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેનો સીધો અંદાજ 108 ઈમરજન્સી સેવા પર આવતા કોલ્સની સંખ્યા પરથી લગાવી શકાય છે.
ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં ગરમીને લગતી તકલીફોના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. આંકડાકીય માહિતી મુજબ, રાજ્યમાં દરરોજ સરેરાશ 63 લોકોને ગરમીના કારણે તાત્કાલિક સારવારની જરૂર પડી છે. 1 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન ગરમી સંબંધિત કુલ 1831 ઈમરજન્સી કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ ભારે તાવના નોંધાયા છે, જે હીટ વેવની ગંભીર અસર દર્શાવે છે.ગરમીના કારણે લોકોમાં તાવ, બેભાન થવું અને પેટની તકલીફો જેવી સમસ્યાઓ મુખ્યત્વે જોવા મળી છે.
ગરમીના આ પ્રકોપથી બચવા માટે આરોગ્ય વિભાગ અને નિષ્ણાતો દ્વારા નીચે મુજબની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પુષ્કળ પ્રવાહી લેવું. તડકામાં નીકળતી વખતે માથું ઢાંકી રાખવું અને સુતરાઉ કપડાં પહેરવા. રાજ્યમાં હજુ પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા હોવાથી નાગરિકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.