અમદાવાદ માટે આગામી ત્રણ કલાક ભારે, સરખેજ વોર્ડમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ, 14 જિલ્લામાં રેડ એલર્ટ

Oplus_131072

અમદાવાદ શહેરમાં વરસાદી પરિસ્થિતિને લઈAMCએ પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં અધિકારીઓએ જણાવ્યું છે કે સવારે 6 થી સાંજના 5 વાગ્યા દરમિયાન કુલ 113 મીમી વરસાદ પડ્યો છે. સરખેજ વોર્ડમાં સૌથી વધુ વરસાદ 10 ઈંચ પડ્યો છે. જ્યારે વૃક્ષ ધરાશાયી થવાની 41 ઘટના સામે આવી છે. શહેરમાં ત્રણ કલાકમાં ધોધમાર 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ વરસી શકે છે. 23 જુલાઈએ બપોરે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત ગાંધીનગર, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વડોદરા, સુરત, ખેડા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદને લીધે ધરણીધર દેરાસર પાસે ઝાડ પડવાની ઘટના સામે આવી છે. વરસાદી પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ડૂબ્યા છે. સેન્ટોસા પાર્ક , મુમતપુરામાં ગાડીઓ પાણીમાં ડૂબી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

અમદાવાદમાં વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા માર્ગ પાણીમાં ડૂબી ગયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે જનજીવન પણ પ્રભાવિત થયું છે અને લોકો અવરજવર માટે મુશ્કેલીમાં મુકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *