
હેરિટેજ સિટી ગણાતા અમદાવાદની બીજી ઓળખ ભૂવા સિટી તરીકેની છે. હજી તો ચોમાસું શરૂ થયું નથી ત્યાં જ શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મકરબા મેઈન રોડ સિક્સ લેન બનાવ્યા ને માંડ છ મહિના જેટલો સમય થયો છે ત્યાં આ જ મેઈન રોડ પર મસમોટો ભૂવો પડી ગયો છે.
મકરબા મેઈન રોડ પર આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક આ ભૂવો પડ્યો છે. એક રિક્ષાચાલક રાબેતા મુજબ આ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે નાનકડો ખાડો હતો. રિક્ષાચાલકનું ધ્યાન ન રહ્યું અને સાવ ખોબા જેવડા ખાડા પરથી પસાર થયો ત્યાં અચાનક રસ્તો બેસી ગયો ને ધડાકા સાથે ભૂવો પડ્યો અને રિક્ષાનો આગળનો અડધો ભાગ અંદર ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષાનો કાચ તૂટી ગયો અને રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ ચાલક પણ લોહીલુહાણ થઈ ગયો હતો. ઘાયલ રિક્ષાચાલકને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. રિક્ષાચાલકના ચહેરા પર કાચ વાગ્યા હતા, તે કાઢી કોટનથી લોહી રોકવાની કોશિશ કરી હતી. તુરંત પોલીસ હાજર થઈ ગઈ હતી અને ટ્રાફિક જામ ન થાય એટલે રસ્તો ક્લિયર કરાવવા કાર્યવાહી કરી હતી.
આ મકરબા મેઈન રોડ છ લેન બનાવાયો છે. અહીં જ ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે. આ સિક્સ લેન રોડ પર સતત ટ્રાફિક રહે છે. જૂના અને નવા અમદાવાદને જોડતા આ રોડ પર સ્કૂલ બસ, સ્કૂટર પર કોલેજે જતા બાળકો, નોકરીયાતો, ધંધાર્થીઓ પસાર થાય છે. ઓફિસ ટાઈમમાં આ રસ્તે ટ્રાફિક જામ જેવી સમસ્યા થાય છે ત્યારે આવા માખણ જેવા રસ્તાની નીચે પોલંપોલ છે તે આજે સાબિત થઈ ગયું છે. આ ભૂવામાં રિક્ષા નહીં પણ વિકાસ ઊંધે માથે પડ્યો છે.
આ પણ વાંચો, Class 12 results declared: ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ કર્યું જાહેર
