Ahmedabad: ‘ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25’નો પ્રારંભ, રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો

અમદાવાદ ખાતે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ‘ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25’નો પ્રારંભ કરાવ્યો હતો. આ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરાયું છે. આ પ્રસંગે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે.


તેમણે ગર્વભેર જણાવ્યું હતું કે, આ વર્ષે 10થી વધારે નેશનલ તથા ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટનું રાજ્યના વિવિધ શહેરોમાં આયોજન કરાયું છે. મંત્રીશ્રીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે તમામ પ્રકારના સહયોગ આપવાની ખાતરી આપી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને અપાતી સહાય વિશે પણ વાત કરી હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ ‘ખેલ મહાકુંભ’ના પ્લેટફોર્મથી અનેક રમતવીરો ખેલ-કૂદ ક્ષેત્રે પોતાની પ્રતિભા ઝળકાવી શક્યા છે. રમતવીરોને તમામ પ્રકારનો સહયોગ અને શ્રેષ્ઠ તાલીમ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે,

આ પ્રસંગે ટેનિસ રમતમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી આર્યન શાહ અને સમર્થને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આર્યન શાહ ભારતીય ડેવિસ કપમાં રમ્યો છે અને સમર્થ પણ જુનિયર ડેવિસ કપનો ખેલાડી છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ આ પ્રકારના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ઉપસ્થિત સૌ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 30 માર્ચ સુધી ચાલનારી ટેનિસ ટુર્નામેન્ટમાં વિવિધ 12 જેટલા દેશોમાંથી આશરે 80 જેટલા રમતવીરો ભાગ લેવાના છે અને તેમને આકર્ષક ઈનામો આપી સન્માનિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ અલ્તેવોલ એલેક્ષઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી ખાતે યોજાશે. આ પ્રસંગે ટેનિસ સાથે જોડાયેલા અગ્રણીઓમાં સ્વપ્નિલ દેસાઈ, ચિંતન પરીખ, શ્રીમલ ભટ્ટ, ચિરાગ પટેલ તથા ખેલાડીઓ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો, Rajkot: શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ, વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી અંધશ્રધ્ધાઓ દૂર કરવા અભિયાન ચલાવશે