Ahmedabad: સિવિલ હોસ્પિટલનું ‘ડાયટેશિયન ઓપીડી’ સેન્ટર ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હાયપર ટેન્શનના દર્દીઓ માટે બન્યું ઉપકારક

આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. બદલાતી જીવનશૈલી, અસંતુલિત આહાર, શારીરિક નિષ્ક્રિયતા અને તણાવ જેવાં કારણોને લીધે મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિ ગંભીર રોગો, જેવાકે, ડાયાબિટીસ, હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશર અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓને આમંત્રણ આપે છે. એટલું જ નહીં, ધીરે ધીરે હવે નાનાં બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે સમગ્ર ગુજરાત મેદસ્વિતામુક્ત બને અને નાગરિકો તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જાગૃત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.


અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સ્પેશિયલ ‘ડાયટિશિયન ઓપીડી’ની શરૂઆત થઇ છે.
આ અંગે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડની હોસ્પિટલ ખાતે 10 મેના રોજ એક નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે એક ‘ડાયટેશિયન ઓપીડી’ની શરૂઆત થઇ છે. અત્યાર સુધીમાં 500થી વધુ દર્દીઓ આ ઓપીડીની મુલાકાત લઇ ચૂક્યા છે.


રાકેશ જોષીએ કહ્યું કે, દરેક વ્યક્તિ જે મેદસ્વી છે, તેઓ માટે સિવિલમાં પ્રારંભ કરવામાં આવેલું આ સેન્ટર એક ઉપયોગી સાબિત થશે. એટલું જ નહીં, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાયપરટેન્શનના દર્દીઓ માટે પણ આ સેન્ટર ઉપયોગી બન્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના દરેક વિભાગમાં આવતા ઓબેસિટીવાળા દર્દી આ સેન્ટરમાં જઈ શકે એવી વ્યવસ્થા પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ગોઠવવામાં આવી છે. આ સેન્ટરમાં ઓબેસિટીવાળા દર્દીનું બીએમઆઈ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે ત્યારબાદ તેને અનુરૂપ એ વ્યક્તિને ડાયેટ પ્લાન આપવામાં આવે છે.


તેમણે વધુમાં ઉમેર્યું કે, સિવિલ હોસ્પિટલમાં મલ્ટીપલ સુપર સ્પેશિયાલિટી ચાલે છે, ત્યારે આ ઓપીડીમાં માત્ર ડાયાબિટીસ, હાયપર ટેન્શન કે પછી ઓબેસિટીના જ દર્દીઓ નહીં પણ જે કોઈ દર્દીને મેજર ઓપરેશન સર્જરી કરાવવાની હોય એની તૈયારીના ભાગરૂપે દર્દીઓને એક-બે મહિના પહેલા ડાયેટ મોડીફાઇ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં દર્દીના સ્પેસિફિક રોગ માટે એટલે કે કોઇને કિડની ડિસીસ હોય તો તેને કેવા પ્રકારનો ખોરાક લેવો, કેવી રીતે જીવનશૈલીમાં બદલાવ લાવવો તેમજ ખાનપાનની પ્રક્રિયામાં કેવી રીતે મૂળભૂત બદલાવ લાવવો તેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
સુપરિટેન્ડેન્ટ રાકેશ જોષીએ કહ્યું કે, કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં ડાયટ પ્લાન લેવો હોય તો તેનો ખૂબ મોટો ખર્ચ થતો હોય છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ સેવા તદ્દન નિ:શુલ્ક આપવામાં આવે છે અને તમામ માટે ખુલ્લી છે. અહીં આવનારા દરેક દર્દીના ખિસ્સામાં કોઇપણ પ્રકારનું વધારાનું ભારણ પડતું નથી.


નાગરિકોને અપિલ કરતા રાકેશ જોષીએ કહ્યું કે, આ સેવાનો સૌ કોઇએ અવશ્ય લેવો જોઇએ. કેમ કે અહીં, ડાયટિશિયન દ્વારા સાત્વિક ખોરાક કોને કહેવાય અને જીવનશૈલી અનુરૂપ કેવા પ્રકારનો ખોરાક લેવો જોઇએ તેના વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. જો આપણે જીવનશૈલી અનુરૂપ ખોરાક લઈશું તો મહદઅંશે, મેદસ્વિતા,ડાયાબિટિસ અને બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકીશું, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો, Shooting at Graz school in Austria: ઑસ્ટ્રિયાની ગ્રાઝ સ્કૂલમાં ગોળીબાર, પાંચ લોકોના મોત; પોલીસ ઘટનાસ્થળે