અમદાવાદમાં બૂટલેગરોનો આતંક, પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એકતા નગરની ચાલી પાસે પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયવર્ધન પરમાર પર લાકડીથી હુમલો થયો છે. જયવર્ધન પરમાર ત્યાં ઉભા હતા ત્યારે જ બૂટલેગર ભાવેશ રાઠોડ, પિયુષ રાઠોડ ઉર્ફે પેપ્સી અને દિવ્યાંગ બાજકે તેમને ઘેરી લીધા હતા.

આરોપીઓએ અમારા ધંધાની બાતમી કેમ આપે છે તેવો આક્ષેપ કરી ધોકા અને લાકડી વડે હુમલો કર્યો અને કોન્સ્ટેબલનું માથું ફોડી નાખ્યું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયવર્ધન પરમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હુમલાના એક દિવસ પહેલા જ સ્થાનિક પોલીસે આ વિસ્તારમાં રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. યોગાનુયોગ કોન્સ્ટેબલ જયવર્ધન ત્યાંથી પસાર થયા હતા, જેથી આરોપીઓને શંકા ગઈ કે બાતમી જયવર્ધને જ આપી છે. પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે, જેમના વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના 6 અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે.

જો કે, આ કેસમાં પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં છે, કારણ કે એફઆઈઆરમાં દારૂના ધંધાની બાતમીનો ઉલ્લેખ કરવામાં પોલીસ ખચકાઈ રહી છે. સવાલ એ ઉઠે છે કે જ્યારે ખુદ પોલીસકર્મી પર હુમલો થયો હોય, ત્યારે પોલીસ ફરિયાદમાં દારૂનો ઉલ્લેખ કેમ ટાળી રહી છે ? શું પોલીસ પોતાના જ કર્મચારીના મામલે બૂટલેગરોને છાવરી રહી છે ?

આરોપીઓની ધરપકડ તો થઈ ગઈ છે, પણ શું તેમના ગેરકાયદેસર ધંધા પર બુલડોઝર ફરશે ખરું ? આ મામલે પોલીસ હવે દાખલારૂપ કાર્યવાહીનો દાવો કરી રહી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો તેલનો ભંડાર કેટલા દિવસ ચાલશે? જો યુદ્ધ ન અટક્યું તો શું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *