ભાજપ MLAના વિરોધને પગલે અમદાવાદ મનપાએ કતલખાનાની દરખાસ્ત પાછી ખેંચી, 32 કરોડ ફાળવ્યાં હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં શહેર માટે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય સામે આવ્યો હતો. જેમાં શહેરમાં 123 વર્ષ પછી નવા કતલખાનાંના નિર્માણનો પ્રસ્તાવ મુકાયો હતો. દક્ષિણ ઝોનના શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સ્લોટર હાઉસ બનાવવાની યોજના જાહેર થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ થઈ હતી અને તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દવર આ નિર્ણયનો વિરોધ કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કતલખાના બનવાની જોગવાઈ પરત કરવામાં આવી છે.
આ અંગે વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિએ મીડિયાને જણાવ્યું જે તેઓ કતલખાનાની દરખાસ્તને પરત ખેંચે છે. ઉલ્લેખનીય છે કે હજુ ગઇકાલે જ કોર્પોરેશનના બજેટમાંથી 32 કરોડની ફંડ ફાળવીને જૂનું કતલખાનું બંધ કરી નવું બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. પણ આ બાબતે ભાજપના પૂર્વ મેયર અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે વિરોધ નોંધાવ્યો હતો. જે પછી આ દરખાસ્તને ખારીજ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં શાહવાડી–બહેરામપુરા વિસ્તારમાં આવેલા TP-32 ખાતે નવા કતલખાનાની સ્થાપનાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ માટે અંદાજિત 32 કરોડનો ખર્ચ અને આશરે 15,800 સ્ક્વેર મીટર જેટલી જમીન ફાળવવાનો પણ નિર્ણય લેવાયો હતો.
કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર પ્રસ્તાવિત સ્લોટર હાઉસનું નિર્માણ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના કંપેન્ડિયમમાં દર્શાવાયેલા તમામ નિયમો અને માપદંડોને અનુરૂપ કરવામાં આવવાનું હતું અને અહીં પશુઓ માટે સુવિધાયુક્ત વાડા, કૂલિંગ અને ચિલિંગ સુવિધાઓ, રેન્ડરિંગ પ્લાન્ટ સહિતની આધુનિક વ્યવસ્થાઓ ઉભી કરવાની યોજના અમલમાં મૂકવાની વાત હતી.
હાલમાં અમદાવાદનું એકમાત્ર સ્લોટર હાઉસ જમાલપુર વિસ્તારમાં કાર્યરત છે, જ્યાં દરરોજ અંદાજે 80થી 90 નાના અને મોટા પશુઓની કતલ કરવામાં આવે છે. અહીં બહારથી લાવવામાં આવેલા પશુઓને નિયમો અનુસાર મંજૂરી આપવામાં આવે છે અને નીતિ-નિયમો મુજબ કતલ બાદ માંસનું યોગ્ય રીતે પરિવહન કરવામાં આવે છે.
ડ્રાફ્ટ બજેટમાં જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા એક સદીથી વધુ સમયથી કોઈ નવું કતલખાનું બનાવવામાં આવ્યું નથી. જમાલપુર સ્લોટર હાઉસનું નિર્માણ વર્ષ 1903માં થયું હતું અને ત્યારબાદ અમદાવાદના વિસ્તાર અને વસતીમાં નોંધપાત્ર વધારો થવા છતાં નવી સુવિધા ઉભી કરવામાં આવી નહોતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ તંત્રે આધુનિક અને સુસજ્જ સ્લોટર હાઉસની જરૂરિયાત હોવાનું દર્શાવી આ નવા પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેનો વિરોધ થતાં આ પ્રસ્તાવને નકારી દેવાયો છે.