Ahmedabad: આંબેડકર યુનિવર્સિટીનો 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ, 18108 વિધાર્થીઓને પદવી એનાયત કરાઈ

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આંબેડકરની જન્મ જયંતિના દિવસે 10 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં 18108 વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, UGC પૂર્વ ચેરમેન એમ.જગદીશ કુમાર હાજર રહ્યા હતા.

પદવીદાન સમારોહમાં 18108 વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી પીએચડીની 16, એમ.ફીલ 1,સ્નાતક 9003,અનુસ્નાતક 4075, અનુ સ્નાતક ડીપ્લોમા 84,ડીપ્લોમા 545,સર્ટીફિકેટ 4384 આપવામાં આવ્યા હતા. સમારોહમાં કુલ 39 ગોલ્ડ મેડલ અને 49 સિલ્વર મેડલ અને 42 સર્ટિફિકેટ એમ કુલ મળીને 121 જેટલા પદકો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

પલ્લવી ગિરીશ ગુપ્તેને “ડો. બાબાસાહેબ આંબેડકર સમરસતા પુરસ્કાર”તેમજ યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ પ્રાદેશિક કેન્દ્ર પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યો હતો, તેમજ ત્રીજી એઆઈયુ રાષ્ટ્રીય મહિલા વિદ્યાર્થી સંસદ 2024-25 માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી યુનિવર્સિટીની વિદ્યાર્થીની પણ સન્માનિત આવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહનું ભવ્ય અને ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે સાથે આત્મિક વિકાસ તરફ પણ પ્રયાણ કરવા સંદેશ આપ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને કાર્યોને યાદ કરતાં કહ્યું કે, તેઓ ભારતના ઇતિહાસના આઝાદીકાળના એક એવા મહાપુરુષ હતા જેમણે સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને નાતજાતના ભેદભાવ સામે એક આંદોલન શરૂ કર્યું હતું. દરેક વ્યક્તિ સમાન રીતે આગળ વધે તેવું તેમનું ચિંતન હતું. જો આપણે સૌ એકતા અને સમરસતાથી આગળ વધીશું, તો આપણો સમાજ અને દેશ નવી ઊંચાઇઓ હાંસલ કરી શકશે. તેમણે આ પ્રસંગે બાબાસાહેબની જન્મજયંતિનું સ્મરણ કરતાં એમના વિચારોને સૌ માટે પ્રેરણારૂપ ગણાવ્યાં હતાં.

વિદ્યાર્થીઓને સંબોધતાં રાજ્યપાલે કહ્યું કે, પરિશ્રમ અને સમર્પણના પરિણામરૂપે તેઓ આજે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે. માતા-પિતા, સમાજ અને રાષ્ટ્રને વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષાઓ હોય છે. જે યુવાન આ ત્રણેયની ભાવનાઓનું સન્માન કરે છે, સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનાં શિક્ષણ અને આવડતનો ઉપયોગ કરે છે તેને સફળ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે સાચી શિક્ષા એ છે કે, જે માત્ર નોકરી માટે નહીં, પણ સમાજ માટે ઉપયોગી બને. તેમણે વૈદિક સંદર્ભ આપતાં કહ્યું કે, સા વિદ્યા યા વિમુક્તયે – સાચી વિદ્યા એ છે જે મુક્તિ તરફ લઈ જાય. આપણી ભારતીય વિદ્યા પરંપરાનું આ પરમ ધ્યેય છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જ્ઞાન અને માહિતી વચ્ચે ફરક છે. માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવું શિક્ષણ છે. રેડિયો લોકો સુધી પહોચતા વર્ષો લાગ્યા હતા. કોઈ પણ નવી વાત સમાજમાં ઝડપથી પહોંચે તેવા ટેક્નોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ. હવે ખાલી ડિગ્રી ચાલવાની નથી. ડિગ્રી એ માત્ર આજીવિકા રળવા માટેનું સાધન છે. સમાજને કંઈક નવું મળે તેના પ્રયત્ન કરવા જોઈએ. PHD થયા તેમાંથી રિસર્ચમાં ઉપયોગી કેટલા થયા, સમાજમાં ઉપયોગી કેટલા થયા તેવા પ્રયાસ કરવા જોઈએ. કામ કરવા માટે સમયનું બંધન રાખી કામ કરશો તો તમારી પ્રગતિ નહીં થાય. સમયનું બંધન તોડવું પડશે.
આ પણ વાંચો, Babasaheb Ambedkar Jayanti: રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને રાહુલ ગાંધીએ બાબા સાહેબને અર્પિત કરી શ્રદ્ધાંજલિ