સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર એક અત્યંત કરૂણ અને ભયાનક અકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ હાઈવે પર પૂરઝડપે જઈ રહેલી એક કાર કામરેજ તાલુકાના તાપી ઓવરબ્રિજ નજીક છેલ્લી લાઇન પાછળ ઉભેલા ડમ્પર પાછળ કાર ધડાકા ભેર અથડાઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર તમામ ચાર લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યા છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, તમામ મૃતકો વાપીના બલીઠા ગામના વતની હોવાનું સામે આવ્યું છે અને તમામ લોકો મુંબઈથી પાટણ જઈ રહ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
તો આ અંકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર ડમ્પરના ચાલકે વાહનમાં એર પ્રેશરની અચાનક સમસ્યા ઊભી થવાના કારણે તેને રસ્તા પર ઊભું રાખ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ આવતી લાલ રંગની હેરિયર કાર ઉભેલા ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનત હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.નોંધનિય છે કે, અકસ્માતની ઘટના બનતાની સાથે જ એક્સપ્રેસ વે પર થોડીવાર માટે વાહન વ્યવહારની અવરજવર પર સમસ્યા સર્જાઈ હતી અને થોડો ટ્રાફીક થયો હતો. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.
ગીર સોમનાથ જિલ્લાના ધોકડવા બેડીયા રોડ પર એક અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સવારના સમયે બાઇક પર ધોકડવા તરફ જઈ રહેલા ઉમેજ ગામના વતની હિંમતભાઈ વાળાની બાઇક અને પૂરઝડપે આવતા ડમ્પર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં હિંમતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. મૃતક હિંમતભાઈ IIFL ફાઇનાન્સમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તુરંત સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.