પંજાબમાં ધુમ્મસના કારણે અકસ્માત:ડિવાઈડર સાથે અથડાઈ ફોર્ચ્યુનર કાર, બનાસકાંઠાના 5 લોકોનાં મોત

પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત છે. શનિવારની સવારે બઠિંડામાં નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર ગાડી અથડાઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોનાં મોત થયા છે.
આ અકસ્માત બઠિંડા જિલ્લાના ગુડતડી ગામ પાસે થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર ગાડીના ફુરચા ઉડી ગયા. માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કોઈક રીતે ગાડીની અંદરથી મૃતદેહોને બહાર કાઢ્યા.
તેમની ઓળખ અર્જુન, સતીશ, જનક, ભારત અને અમિતા બાન તરીકે થઈ છે. આ તમામ ગુજરાતના બનાસકાંઠાના રહેવાસી હતા. તમામની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે. અનિતા બાન મહિલા કોન્સ્ટેબલ હોવાનું જણાવાયું છે. એસપી નરિન્દર સિંહે જણાવ્યું કે આ તમામ ફોર્ચ્યુનર ગાડીથી શિમલા ગયા હતા. પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ.