અમદાવાદમાં પાર્કિંગ વ્યવસ્થામાં નવી ક્રાંતિ! ખાનગી પાર્કિંગ પણ AmdaPark સાથે જોડાશે, મંજૂર દરે વસૂલાશે ચાર્જ

અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નોના કાયમી અને અસરકારક ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આવેલી એવી ખાનગી મિલકતો, જ્યાં પાર્કિંગ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં પ્રોપર્ટી ટેક્સમાં મળતી 100 ટકા વેરા માફીનો લાભ લેવા ન ઈચ્છતા મિલકત માલિકોને હવે AMCની ‘AmdaPark’ એપ્લિકેશન સાથે જોડાવાની વિશેષ સુવિધા આપવામાં આવશે. આ વ્યવસ્થાથી ખાનગી મિલકતધારકો પોતાની પાર્કિંગ ક્ષમતાનો વધુ સદુપયોગ કરી શકશે, જ્યારે નાગરિકોને પણ શહેરમાં પાર્કિંગની વધારાની સુવિધા ઉપલબ્ધ બનશે.

AMCના જણાવ્યા મુજબ, શહેરમાં અનેક કોમર્શિયલ એકમો જેમ કે શોપિંગ મોલ, હોસ્પિટલો, મલ્ટિપ્લેક્સ, હોટેલ સહિતની ખાનગી મિલકતો પાસે પાર્કિંગ માટે પૂરતી જગ્યા છે. જો આવી મિલકતો પોતાના પાર્કિંગ વિસ્તારને જાહેર ઉપયોગ માટે ખુલ્લો રાખે તો તેમને પ્રોપર્ટી ટેક્સમાં 100 ટકા વેરા માફી આપવાની જોગવાઈ કોર્પોરેશન દ્વારા અગાઉથી અમલમાં છે. જોકે કેટલીક ખાનગી મિલકતો આ વેરા માફીનો લાભ લેવા માંગતી નથી, પરંતુ પોતાની પાર્કિંગ જગ્યાનો ઉપયોગ કરીને નિયત દરે પાર્કિંગ ચાર્જ વસૂલવા ઇચ્છે છે. આવી મિલકતોને ધ્યાનમાં રાખીને AMCએ નવી વ્યવસ્થા અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.

નવી વ્યવસ્થા હેઠળ આવી ખાનગી મિલકતોને AmdaPark એપ્લિકેશન સાથે જોડવામાં આવશે. જેના માધ્યમથી તેઓ પોતાની પાર્કિંગ વ્યવસ્થાનું સંચાલન કરી શકશે તેમજ પાર્કિંગમાંથી આવક પણ મેળવી શકશે. જોકે, નાગરિકો પાસેથી મનફાવે તે રીતે પાર્કિંગ ચાર્જ વસૂલવાની મંજૂરી નહીં હોય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક વિસ્તાર માટે નક્કી કરવામાં આવેલા ભાવની મર્યાદામાં જ પાર્કિંગ ચાર્જ વસૂલવાનો રહેશે.આ ઉપરાંત, AmdaPark સાથે જોડાયેલા તમામ એકમોએ પોતાની પાર્કિંગ ક્ષમતા (ECS મુજબ) અને પાર્કિંગ ચાર્જની વિગતો એપ્લિકેશન પર ફરજિયાત રીતે અપડેટ કરવાની રહેશે. સાથે જ રિયલ-ટાઈમમાં ઉપલબ્ધ પાર્કિંગ જગ્યાની માહિતી પણ સતત અપડેટ કરવાની રહેશે. પરિણામે નાગરિકોને AmdaPark એપ પર વિવિધ સ્થળોએ પાર્કિંગની ઉપલબ્ધતા અને તેના ચાર્જની માહિતી એક જ પ્લેટફોર્મ પર મળી શકશે તેમજ જરૂરી હોય તો અગાઉથી પાર્કિંગ બુક કરવાની સુવિધાનો પણ લાભ મળી શકશે.

નોંધનિય છે કે અગાઉ ફી પાર્કિંગ આપનાર એકમને ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરાઇ હતી. જેમાં અત્યાર સુધી ટેક્સ માફીનો લાભ લેનાર ૨૯ એકમો સામે આવ્યા છે . જેઓને નિયમ અનુસાર ટેક્સમા રાહત હશે . તેમજ પાર્કિંગનો કોઇ પણ ચાર્જ વસુલાત કરી શકશે નહી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી શહેરમાં વાહનો માટે ઉપલબ્ધ પાર્કિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની સાથે ખાનગી પાર્કિંગ સુવિધાઓનો વધુ કાર્યક્ષમ ઉપયોગ શક્ય બનશે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના નિરાકરણમાં પણ આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે. AMCએ શહેરના તમામ પાત્ર ખાનગી કોમર્શિયલ એકમોને આ નવી સુવિધાનો લાભ લેવા અને પોતાની પાર્કિંગ વ્યવસ્થાને AmdaPark પ્લેટફોર્મ પર નોંધણી કરાવવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *